Site icon hindtv.in

ધંધુકામાં આગજની અને તોડફોડ બાદ પોલીસનું કોમ્બિંગ,

ધંધુકામાં આગજની અને તોડફોડ બાદ પોલીસનું કોમ્બિંગ,
Spread the love

ધંધુકામાં આગજની અને તોડફોડ બાદ પોલીસનું કોમ્બિંગ,
બાઈક ઓવરટેક કરવા મુદ્દે હત્યા,
વિફરેલા ટોળાએ દુકાનોને આગ લગાડી,
મર્ડરમાં પોલીસે 2 આરોપીને દબોચ્યા,

ધંધુકા શહેરમાં બાઈક ઓવરટેક કરવા મુદ્દે એક યુવાનની ઘાતકી હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. હત્યાની ઘટનાના સમાચાર વહેતા થતા જ સ્થાનિકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉશ્કેરાયેલા ટોળાએ કેટલીક દુકાનોમાં આગચંપી તેમજ તોડફોડ કરી હતી. હાલ પરિસ્થિતિ પર અંકુશ મેળવવા માટે એસ.પી. સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો છે.

ધંધુકામાં બે વ્યક્તિઓ વચ્ચે બાઇક ઓવરટેક કરવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ માથાકૂટ જોતજોતામાં હિંસક ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. સંઘર્ષ દરમિયાન એક વ્યક્તિને હાડકામાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે સામા પક્ષે તીક્ષ્ણ હથિયાર (છરી) વડે પગના ભાગે ગંભીર ઘા ઝીંક્યા હતા. વધુ પડતું લોહી વહી જવાને કારણે ઘાયલ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પોલીસે બે આરોપીને ડિટેઈન કરી લીધા છે. મૃતકના પીએમની તજવીજ શરૂ કરી છે. જ્યારે આગેવાનો સાથે પોલીસે મિટિંગ બાદ કોમ્બિંગ શરૂ કર્યું છે. ધારાસભ્ય કાળુ ડાભીએ જણાવ્યુ હતુ કે, બહારગામ હતો અને ઘટનાની જાણ થતાં આરએમએસ હોસ્પિટલ ગયો, ત્યાં જોયું તો એક યુવાનનું મૃત્યુ થયેલું હતું. ત્યારબાદ અમે શાંતિની અપીલ કરી, તેમના સમાજના આગેવાનો સાથે બેઠક થઈ, જિલ્લાના એસપી પણ પોલીસ કાફલા સાથે પહોંચી ગયા હતા. બધા સાથે બેઠક બાદ હાલ ધંધુકામાં શાંતિનો માહોલ છે. સમગ્ર મામલે પ્રાથમિક માહિતી મુજબ બાઇક ઓવરટેક કરવા મુદે માથાકૂટ થઈ હતી. જે ઉગ્ર બોલાચાલી બાદ હત્યા પરિણમી હતી. યુવાનની હત્યા બાદ લોકોમાં રોષ ફેલાયો હતો, જેના પરિણામે અચાનક પરિસ્થિતિ વણસી હતી.

ઉશ્કેરાયેલા ટોળાએ બજાર વિસ્તારમાં આવેલી અમુક દુકાનોને નિશાન બનાવી આગ ચાંપી હતી. આ હિંસક પ્રવૃત્તિને કારણે સમગ્ર શહેરમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને વેપારીઓએ ટપોટપ દુકાનો બંધ કરી દીધી હતી. ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ તાત્કાલિક ધંધુકા દોડી આવ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે શહેરમાં વધારાની પોલીસની ટૂકડી ઉતારી દેવામાં આવી છે.

Exit mobile version