એએમસીએ લીધેલા પાણીપુરીના સેમ્પલ ફેલ
1121 પૈકી 280 નોન પરમીટેડ કલર
2 જગ્યા પર પાણીના બેક્ટેરિયા મળી આવ્યા હતાં
અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વધે નહીં તેને લઈને પાણીપુરી વેચનાર લારીઓ-એકમો સામે ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના અલગ-અલગ સ્થળેથી પાણીપુરીના પાણી અને ઉપયોગમાં લેવાતા મસાલાની તપાસ કરાઈ હતી.
અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વધે નહીં તેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા 1,121 જેટલી પાણીપુરીની લારીઓ પર પાણીના નમૂના લેવાયા હતા, જેમાં 280 સેમ્પલમાં ખાવા લાયક નહી હોય એવા કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. તો અમુક જગ્યાએ પાણીમાં બેક્ટેરિયા મળી આવ્યાં છે. પાણીમાં અખાદ્ય કલરનો ઉમેરો થતો હોવાનું સામે આવ્યું આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસમાં શહેરમાં અલગ-અલગ જગ્યા પર પાણીપુરીની લારીઓ ચેક કરવામાં આવી હતી. શહેરની 280 લારીઓ પર પાણીમાં ઉમેરવાનો પરવાનગી વિનાનો કલર મળી આવ્યો હતો. 77 જગ્યાએ પાણીના બેક્ટેરિયા તપાસ કરવામાં આવી, જેમાં 2 જગ્યા પર પાણીના બેક્ટેરિયા મળી આવ્યા હતાં. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસોમાં પાણીપુરી અને અન્ય જગ્યાએ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનો, હોટલો, ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ ચેકિંગ કરી નમુના લેવામાં આવતા હોય છે. 1 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધીમાં 1208 ખાદ્ય એકમોની તપાસ કરી હતી. ફૂડ વિભાગ દ્વારા સૌથી વધુ પાણીપુરીના પાણીના સેમ્પલો લેવામાં આવ્યાં હતાં. સાથે જ બેકરી પ્રોડક્ટ્સના 19, ખાદ્યતેલના 16, આઇસ્ક્રીમના 13, નમકીનના 12, પાણીપુરીના પાણીના સેમ્પલ 26, પનીર-બટરના 8, મસાલાના 9, મીઠાઈના 6 અને અન્ય 114 એમ કુલ 228 નમૂના લેવામાં આવ્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

