રાજકોટ પૂર્વ કોર્પોરેટરના વાયરલ વીડિયો મામલે હોબાળો.
ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો વીડિયો વાયરલ થતા ચકચાર.
સર્કિટ હાઉસના દુરુપયોગ મામલે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ.
ગુજરાતના રંગીલા રાજકોટમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગેરકાયદે બાંધકામની પતાવટ કરવા માટે લાખો રૂપિયાની લેતીદેતીની ચર્ચા થતી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. જેને લઇ આજરોજ સર્કિટ હાઉસના દુરુપયોગ મામલે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ જોવા મળયો છે
રાજકોટમાં વાયરલ થયેલા વીડિયોમાં પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા ગેરકાયદે બાંધકામ મુદ્દે મામલો થાળે પાડવા માટે રૂપિયાની ઉઘરાણી કરતા હોવાની ચર્ચા જાગી છે. વીડિયોમાં તે સ્પષ્ટપણે કહેતા સંભળાય છે કે, રૂપિયા 1.25 લાખ હોય તો જ મને ફોન કરજે. આ બાબતે ભોગ બનનાર વ્યક્તિએ ગંભીર આક્ષેપો કર્યા છે કે પૂર્વ કોર્પોરેટર મનપામાં ખોટી ફરિયાદો કરીને લોકો પાસેથી નાણાં પડાવવાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે આ અગાઉ પણ પૂર્વ કોર્પોરેટર દ્વારા અનેક અરજીઓ કરવામાં આવી હતી. ભોગ બનનારના જણાવ્યા અનુસાર, સમાધાન માટે તેમને સર્કિટ હાઉસ ખાતે બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન કુલ ત્રણ બેઠકો થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેને લઇ આજરોજ સર્કિટ હાઉસના દુરુપયોગ મામલે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ જોવા મળયો છે, ત્યારે આ ઘટનાને પગલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું હતું કે મોડી રાતે આ વીડિયો તેમના ધ્યાને આવ્યો છે અને તેમાં પૈસાની લેતીદેતી અંગે સ્પષ્ટ ચર્ચા જોવા મળી રહી છે. હાલમાં અનિલ મકવાણાનો ફોન બંધ હોવાથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ પક્ષ દ્વારા ટૂંક સમયમાં તેમની પાસે લેખિત ખુલાસો માંગવામાં આવશે. જો તપાસમાં આક્ષેપો સાચા જણાશે, તો પક્ષ દ્વારા કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે
ગંભીર આક્ષેપો અને વીડિયો વાયરલ થયા બાદ પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. મકવાણાએ જણાવ્યું હતું કે, હું વીડિયો ઉતારનાર વ્યક્તિને ઓળખતો પણ નથી. તે મારા સાળા મારફતે મને મળવા આવ્યો હતો. જે રૂપિયાની લેતીદેતીની વાત છે તે બિલ્ડિંગ મટીરિયલના બાકી નીકળતા બિલોના નાણાં બાબતે હતી, કોઈ ગેરકાયદે બાંધકામની પતાવટ માટે નહીં. આ ઘટનાએ રાજકોટના રાજકારણમાં ભ્રષ્ટાચાર અને પતાવટબાજીના મુદ્દે નવી ચર્ચા છેડી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ કે તંત્ર આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધી તપાસ કરે છે કે કેમ….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

