નવસારીમાં રન ફોર યુનિટીનું આયોજન
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
નવસારી જિલ્લા પોલીસ અને મહાનગરપાલિકાનું સંયુક્ત આયોજન
સર્કિટ હાઉસથી શહીદ ચોક સુધી યોજાઈ એકતા દોડ
મોટી સંખ્યામાં લોકોએ રન ફોર યુનિટીમાં ભાગ લીધો
દેશના લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે નવસારી જિલ્લા પોલીસ અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ‘રન ફોર યુનિટી’ (એકતા દોડ)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ નવસારીના સર્કિટ હાઉસથી શરૂ થઈને શહીદ ચોક સુધી યોજાઈ હતી.
દોડનો પ્રારંભ કરાવતા પહેલા ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નાગરિકોએ દેશની રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાની ભાવના જાળવી રાખવા માટેના શપથ (પ્રતિજ્ઞા) લીધા હતા.ત્યારબાદ કલેક્ટર મનીષ ગુરવાણી, જિલ્લા વિકાસ અધિકારી (DDO) કાર્તિક જીવાણી,મહાનગરપાલિકા કમિશ્નર જયેશ ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધિક્ષક (SP) રાહુલ પટેલ, મેયર અશોક ધોરાજિયા અને ભાજપ જિલ્લા અધ્યક્ષ ભૂરાભાઈ શાહ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવીને દોડને પ્રસ્થાન કરાવ્યું હતું.આ ‘રન ફોર યુનિટી’માં જિલ્લા કલેક્ટર, ડીડીઓ, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓએ પોતે પણ ઉત્સાહભેર દોડ લગાવી હતી. આ ઉપરાંત પોલીસ જવાનો, સરકારી વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ, નગરસેવકો, શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ભાગ લીધો હતો. સરદાર પટેલની જન્મજયંતી પર યોજાયેલી આ દોડ થકી નવસારીમાં દેશપ્રેમ, એકતા, અખંડિતતા અને સામૂહિક સંગઠનની ભાવનાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો સાર્થક પ્રયાસ કરવામાં આવ્યો હતો.

