બારડોલીમાં ‘લોટસ નવરાત્રી મહોત્સવ 2026’નું આયોજન
હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત વિધિ
11 ઓક્ટોબરથી ભવ્ય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ
બારડોલી ખાતે આગામી ૧૧મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી માટે ‘લોટસ નવરાત્રી મહોત્સવ ૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના સુચારુ આયોજન અર્થે ભાદરવી પૂનમના પવિત્ર દિવસે બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે આવેલા હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત વિધિ ભક્તિભાવપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી.
આ પ્રસંગે બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, સુરત જિલ્લા ભાજપના પ્રભારી અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા નગર પાલિકા પ્રમુખ નિલમ વ્યાસ. જીલ્લા ભાજપ સંગઠન મહા મંત્રીશ્રીઓ જગદીશભાઈ પારેખ. રોહિત પટેલ. અંકુર દેસાઈ તેમજ લોટસ પરિવારના સભ્યો અને અન્ય મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવની વિગતો આપતા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬થી શરૂ થયેલા આ મહોત્સવનું આ ૯મું વર્ષ છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ કરતાં, આયોજનની આ અવિરત સફર ઉત્સાહભેર આગળ વધી રહી છે. આ નવરાત્રી મહોત્સવ માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નથી, પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વનું પણ ઉત્તમ ઉદાહરણ છે. છેલ્લા ૯ વર્ષથી આ મહોત્સવના આયોજનમાંથી થતી બચતની રકમનો સદ્ઉપયોગ દિવ્યાંગ બાળકોની સેવા, ગૌશાળાઓના નિભાવ, સરદાર હોસ્પિટલની સુવિધાઓ અને શહીદ પરિવારોને સહાય પૂરી પાડવા જેવા વિવિધ સેવાકીય કાર્યોમાં કરવામાં આવે છે. આ વર્ષે પણ માં અંબેની આરાધનાના આ પવિત્ર અવસરે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા અને ગરબાની રમઝટ બોલાવવા માટે ધારાસભ્ય તેમજ આયોજકો નિસર્ગ મહેતા. નગર સંગઠન પ્રમુખ અંનત જૈન. દ્વારા તમામ ખેલૈયાઓ અને ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે

