વરતેજ ખાતે ઘાંચી જમાતના આયોજન હેઠળ મોહરમ નિમિત્તે તાજીયાના ભવ્ય જુલૂસનું શ્રદ્ધા, શાંતિ અને ધાર્મિક ભાવના સાથે આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સમસ્ત મુસ્લિમ કસ્બા જમાતના આગેવાનો, વિવિધ સમાજોના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.
મોહરમના પવિત્ર અવસરને માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતો મર્યાદિત ન રાખતા આયોજકોએ માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભાવનગર સર ટી હોસ્પિટલ માટે યોજાયેલા વિશાળ બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનો અને સમાજજનો દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 100 બોટલ રક્ત એકત્રિત થયું હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું. આ રક્તદાન અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી બનશે. જુલૂસના સમગ્ર રૂટ પર વિવિધ કમિટીઓ અને સેવાભાવી કાર્યકરો દ્વારા ઠંડા પીણા, પાણી, શરબત તથા અન્ય ખાણી-પીણીના સ્ટોલ ઉભા કરી શ્રદ્ધાળુઓ અને મહેમાનોની સેવા કરવામાં આવી હતી. સમગ્ર આયોજનમાં સેવાભાવ, શિસ્ત અને સુચારુ વ્યવસ્થાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું. આ પ્રસંગે વરતેજ સમસ્ત મુસ્લિમ કસ્બા જમાતના પ્રમુખ રિયાઝભાઈ પીરવાણી, ઘાંચી જમાતના પ્રમુખ ભીખાભાઈ ડેરૈયા, ખલીફા જમાતના પ્રમુખ વાહીદભાઈ ખલીફા તેમજ ખાટકી જમાતના યુનુસભાઈ મમણી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વાસુદેવસિંહ ગોહિલ, કે. કે. ગોહિલ, કે. આર. જાડેજા સાહેબ, સુરેન્દ્રસિંહ ગોહિલ (કાનભા), નાહીનભાઈ કાજી, મુખ્તારભાઈ વરતેજી, મુન્નાભાઈ વરતેજી અને સલીમભાઈ વરતેજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ આયોજકોની કામગીરી, શાંતિપૂર્ણ આયોજન, માનવસેવાના કાર્યો અને કોમી સૌહાર્દના સંદેશને બિરદાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વરતેજના વરિષ્ઠ સમાજસેવક અને આગેવાન સ્વર્ગસ્થ હાજી કદરભાઈ પીરવાણીની ખોટ સ્પષ્ટપણે વર્તાઈ હતી. સમાજના આગેવાનો અને ઉપસ્થિત લોકોએ તેમના નિઃસ્વાર્થ સમાજસેવા, માર્ગદર્શન અને સંગઠન માટેના યોગદાનને ભાવપૂર્વક યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ધાર્મિક આસ્થા, માનવસેવા, કોમી એકતા અને સામાજિક સૌહાર્દનો સુંદર સમન્વય સર્જતો આ કાર્યક્રમ વરતેજ માટે યાદગાર બની રહ્યો હતો….

