Site icon hindtv.in

ઝાલોદ ટાઢાગોળામાં એરપોર્ટની માપણી શરૂ થતાં વિરોધ

ઝાલોદ ટાઢાગોળામાં એરપોર્ટની માપણી શરૂ થતાં વિરોધ
Spread the love

ઝાલોદ ટાઢાગોળામાં એરપોર્ટની માપણી શરૂ થતાં વિરોધ
141 હેક્ટર જંગલ સરકારી જમીનનું ડિમાર્કેશન,
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો,
ખેડૂતોમાં ખાનગી જમીનો જવાનો ભય

ઝાલોદ તાલુકાના ટાઢાગોળા અને શારદા ગામોમાં પ્રસ્તાવિત ડોમેસ્ટિક એરપોર્ટ માટે જમીનની માપણી (ડિમાર્કેશન) શરૂ થતાં ગ્રામજનોમાં ચિંતા, અસમંજસ અને ઉગ્ર આક્રોશનો માહોલ સર્જાયો છે. 250થી વધુ પોલીસકર્મીઓ, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ વિસ્તાર યુદ્ધના મેદાન જેવો બની ગયો હતો.

ઝાલોદ તાલુકાના ટાઢાગોળા અને શારદા ગામોમાં પ્રસ્તાવિત ડોમેસ્ટિક એરપોર્ટ માટે 112 હેક્ટર જંગલ ખાતાની અને 28 હેક્ટર સરકારી પડતર જમીનનું ડિમાર્કેશન હાથ ધરાયું, પરંતુ સ્થાનિક આદિવાસી ખેડૂતોના હૃદયમાં ભય ફેલાયો છે કે ભવિષ્યમાં તેમની ખાનગી, વડીલો પાર્જીત જમીનો પણ આ પ્રોજેક્ટની ભેટ ચઢશે. આ વિરોધની આગમાં ખેડૂતોની વેદના, આજીવિકાનો ખતરો અને સરકાર પ્રત્યેનો અવિશ્વાસ સ્પષ્ટપણે જોવાઈ રહ્યો છે. ટાઢાગોળા અને શારદા ગામના આદિવાસી ખેડૂતો આ એરપોર્ટ પ્રોજેક્ટનો તીવ્ર વિરોધ કરી રહ્યા છે. ખેડૂત આગેવાન મુકેશ ડાંગીએ હૃદયસ્પર્શી રીતે જણાવ્યું, “આ જંગલની જમીન પર અમારા પૂર્વજો મુગલોના શાસનથી ખેતી કરતા આવ્યા છે. 28 હેક્ટર સરકારી પડતર જમીન પર પણ અમે વર્ષોથી ખેતી કરીએ છીએ, ઉપજદંડ ભરીએ છીએ. આ જમીનો અમારી આજીવિકાનો આધાર છે. જંગલમાંથી અમને બળતણ માટે લાકડાં, પશુઓ માટે ઘાસચારો અને ખેતી માટે ફળદ્રૂપ જમીન મળે છે. જો આ જમીનો એરપોર્ટ માટે લેવાશે, તો અમે નિરાધાર થઈ જઈશું દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ટાઢાગોળા અને શારદા ગામોમાં ડોમેસ્ટિક એરપોર્ટના નિર્માણ માટે કુલ 141 હેક્ટર જમીનનું ડિમાર્કેશન શરૂ થયું છે. આમાં 112 હેક્ટર જંગલ ખાતાની અને 28 હેક્ટર સરકારી પડતર જમીનનો સમાવેશ થાય છે. આ કામગીરી ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ (ડી.આઈ.એલ.આર.), પ્રાંત અધિકારી, મામલતદાર, વન વિભાગ અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓની ઉપસ્થિતિમાં હાથ ધરાઈ. ઝાલોદના નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલે જણાવ્યું, “ગ્રામજનોને ખાતરી આપવામાં આવી છે કે આ પ્રોજેક્ટમાં હાલ ખાનગી જમીન લેવાશે નહીં. શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી ચાલી રહી છે.”

એરપોર્ટ ઓથોરિટીના મેનેજર (લેન્ડ એવિએશન) ઈશ્વર દેસાઈએ જણાવ્યું હતું કે આ માપણી 26 પોઈન્ટ પર ખૂંટા ખોડવાની પ્રક્રિયા સાથે ચાલી રહી છે. હાલ ફક્ત સરકારી અને જંગલ ખાતાની જમીનનો સમાવેશ છે, ખાનગી જમીન લેવામાં આવશે નહીં. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્રે ઝાલોદ ડિવિઝન સહિત અન્ય વિભાગોમાંથી 1 ડીવાયએસપી, 8 પોલીસ ઈન્સ્પેક્ટર, 6 પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને 250થી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ટાઢાગોળા ખાતે એરપોર્ટ પ્રોજેક્ટનો વિરોધ નવો નથી. ગયા વર્ષે, 11-12 ડિસેમ્બર 2024ના રોજ, એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સર્વે માટે આવ્યા ત્યારે પાંચ ગામોના ખેડૂતોએ ભેગા થઈને ઉગ્ર વિરોધ કર્યો હતો. આ ઘટના દરમિયાન ગામલોકો અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ હતી. જિલ્લા કલેક્ટરે તે સમયે ખાતરી આપી હતી કે એરપોર્ટ ફક્ત સરકારી અને જંગલ ખાતાની જમીન પર જ બનશે, અને ખાનગી જમીનો સંપાદિત નહીં થાય. જોકે, ગુજરાત વિધાનસભામાં 2025ના ચોમાસુ સત્રમાં એરપોર્ટ પ્રોજેક્ટને મંજૂરી મળતાં ખેડૂતોનો વિશ્વાસ ડગમગી ગયો.

Exit mobile version