સુરતમાં શેર ટ્રેડિંગના નામે લાખોની ઓનલાઇન છેતરપિંડી
સાયબર ક્રાઇમ સેલે કેરળમાંથી મહિલા આરોપીને ઝડપી પાડી
મહિલા આરોપીના બેંક ખાતામાં ₹39.70 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન
સુરતમાં શેર ટ્રેડિંગના નામે લાખો રૂપિયાની ઓનલાઇન છેતરપિંડીના કેસમાં સાયબર ક્રાઇમ સેલની ટીમે કેરળમાંથી નેટવર્ક સાથે સંકળાયેલી મહિલા આરોપીને ઝડપી પાડી હતી. તો મહિલા આરોપીના બેંક ખાતામાં 39 લાખ 70 હજાર રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન અને અલગ-અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની ફરિયાદો સાથે કનેક્શન સામે આવ્યું છે.
સુરત સાયબર ક્રાઇમ સેલે શેર ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી છેતરપિંડી કરવાના કેસમાં કેરળથી એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. આરોપી મહિલા સલીના ટી કેરળના મલપ્પુરમ જિલ્લાના નીલમ્બુર વિસ્તારની રહેવાસી છે, તેને ટેકનિકલ સર્વેલન્સ અને તપાસના આધારે ઝડપી પાડવામાં આવી છે. સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ ફરિયાદીને શેર ટ્રેડિંગમાં પાંચ ટકાથી વધુ નફો મળશે તેવી લાલચ આપી હતી. ત્યારબાદ ચેટિંગ એપ્લિકેશનના ગ્રુપમાં જોડીને એક બનાવટી વેબસાઇટની લિંક મોકલવામાં આવી હતી. વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવી ફરિયાદીના નામે આઈડી બનાવવામાં આવી અને નફાની લાલચ આપીને અલગ-અલગ બેંક ખાતામાં કુલ 13 લાખ 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. જોકે, ફરિયાદીએ નાણાં ઉપાડવાની રિક્વેસ્ટ કરતાં રૂપિયા ઉપાડવા દેવામાં આવ્યા નહોતા. આ રીતે ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી હતી.

