અમદાવાદમાં માનવ મંદિર પાસે અકસ્માતમાં એકનું મોત
ગઈકાલે રાત્રે કાર ચાલકે 2 વાહનોને ટક્કર મારી હતી
અકસ્માત બાદ નાસી છૂટવા પૂર ઝડપે કાર હંકારી હતી
કાર ચાલકે કાબૂ ગુમાવતા પાન પાર્લરમાં કાર ઘૂસી ગઈ હતી
અમદાવાદમાં અકસ્માતના બનાવ સતત વધી રહ્યા છે ત્યારે વધુ બે અકસ્માત થયા છે, જેમાં માનવ મંદિર પાસે ગત રાતે એક કારચાલકે પૂરપાટ ઝડપે આવતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કારે બે વાહનોને અડફેટે લીધા બાદ પાન પાર્લરમાં ઘૂસી હતી, જેના કારણે પાન પાર્લર પર ઉભેલા યુવકનું મોત થયું. આ અકસ્માતમાં અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત કરનાર કારચાલક દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો છે. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરના માનવ મંદિર પાસે રાતે 10:30 વાગ્યાની આસપાસ એક સ્વિફ્ટ ગાડીનો ચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે એક્ટિવા ચાલક અને બાઇક ચાલકને ટક્કર મારી હતી. બંનેને ટક્કર માર્યા બાદ કાર વિજય પાન પાર્લરમાં ઘૂસી હતી. આ દરમિયાન પાન પાર્લર પર ઉભેલા 27 વર્ષીય કલ્પેશ સોલંકીને ટક્કર મારી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત કલ્પેશ અને બે વાહન ચાલકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન કલ્પેશ સોલંકીનું મોત થયું છે જ્યારે બે લોકોને ઇજા થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી કારમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. કારમાં બેઠેલો વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો છે. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અન્ય એક બનાવમાં વૈષ્ણવદેવી સર્કલ પાસે રહેતા પરેશ પાલિયા નામના આધેડ એક્ટિવા લઈને નોકરીથી રાતે પરત આવી રહ્યા હતા ત્યારે રાતે 1:45 વાગે સોલા બ્રિજ પર ફોર્ચ્યુન હોટલની સામે ફોર વ્હીલર ચાલકે ટક્કર મારી હતી. જેથી, પરેશભાઈ નીચે પડી જતા તેમણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કારચાલક નેક્ષોન ગાડી મૂકી અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો. જે મામલે એસ.જી.-1 ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી