સુરત મોટા વરાછામાં તાપીનો પાળો તૂટતાં અધિકારીઓ સવાલથી ભાગ્યા
ભારે વરસાદથી 3 જગ્યાએ નદીનો પાળો ધરાશાયી
નદી કિનારે ફૂટપાથ ધસી પડતા મોટું જોખમ
સુરતના મોટા વરાછામાં તાપી નદીનો પાળો ત્રણ જગ્યાએથી તૂટતાં બિલ્ડિંગો પર જોખમ. મીડિયાના સવાલોથી પાલિકા અધિકારીઓ ભાગ્યા અને સિંચાઈ વિભાગ પર ટોપલો ઢોળ્યો.
સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદે મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે. સુરતના હબ ગણાતા મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીનો પ્રોટેક્શન પાળો ત્રણ અલગ-અલગ જગ્યાએથી ધસી પડતાં સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ પરિસ્થિતિ એટલી હદે જોખમી બની છે કે સતત ઘસાતા નદીના પાળાથી માત્ર 45 થી 50 ફૂટના અંતરે જ મોટી ગગનચુંબી બિલ્ડિંગોનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. નદી કિનારે આવેલી જાહેર ફૂટપાથ પણ આખી જમીનમાં ધસી ગઈ છે, છતાં પાલિકા તંત્રે માત્ર ‘જોખમી’ ના બેનરો લગાવીને સંતોષ માની લીધો છે. આ ગંભીર બેદરકારી અંગે મીડિયામાં અહેવાલો પ્રસારિત થતાં જ પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સુરત મનપાના અધિકારીઓ સરકારી વાહનોના બદલે ખાનગી કારમાં જાણે નદી કિનારે લટાર મારવા આવ્યા હોય તેમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.જો કે, જ્યારે મીડિયાકર્મીઓએ પાળો તૂટવા અંગે અને બિલ્ડરોના દબાણ અંગે આકરા સવાલો પૂછ્યા, ત્યારે અધિકારીઓ કોઈ પણ યોગ્ય જવાબ આપ્યા વિના ત્યાંથી સરકી ગયા હતા. અધિકારીઓએ માત્ર વરસાદના કારણે પાળો તૂટ્યો હોવાનો લૂલો બચાવ કર્યો હતો.
રાજનીતિ અને વહીવટી આલમમાં આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે પાલિકાના અધિકારીઓએ પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરીને સમગ્ર ટોપલો સિંચાઈ વિભાગ પર ઢોળી દીધો હતો. પાલિકાના અધિકારીએ દાવો કર્યો છે કે, આ પાળાના રિપેરિંગ અને નવો પાળો બનાવવા માટે તેમણે સિંચાઈ વિભાગને અનેક વખત પત્રો લખીને રજૂઆતો કરી છે. બીજી તરફ, સ્થાનિક જનતામાં ભ્રષ્ટ અધિકારીઓ અને બિલ્ડરોની સાંઠગાંઠ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આક્ષેપ થઈ રહ્યો છે કે મોટા બિલ્ડરોના ગેરકાયદેસર દબાણો અને ભ્રષ્ટાચારના પાપે જ નદીનો કુદરતી પાળો નબળો પડ્યો છે અને તૂટ્યો છે. હાલ તો આસપાસની સોસાયટીના હજારો રહીશોના જાનમાલ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે અને તંત્ર માત્ર કાગળ પર વાતો કરી રહ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

