Site icon hindtv.in

જામનગરમાં અષાઢ માસના પ્રથમ સોમવારે વરતારો.

જામનગરમાં અષાઢ માસના પ્રથમ સોમવારે વરતારો.
Spread the love

જામનગરમાં અષાઢ માસના પ્રથમ સોમવારે વરતારો.
ભમરિયા કૂવામાં રોટલો પધરાવી વરતારો.
કૂવામાં રોટલો ઉગમણી દિશા તરફ પડ્યો.

વિજ્ઞાન અને ટેક્નોલોજીના આ આધુનિક યુગમાં પણ ભારતીય ગ્રામીણ સંસ્કૃતિમાં સદીઓ જૂની પરંપરાઓ અને લોકવાયકાઓ આજેય જીવંત છે. આવો જ એક અનોખો કિસ્સો જામનગર જિલ્લાના આમરા ગામેથી સામે આવ્યો છે,

અષાઢ મહિનાના પ્રથમ સોમવારે એક અનોખી પરંપરા અંતર્ગત આગામી ચોમાસું કેવું રહેશે તેની આગાહી કરવામાં આવે છે. આ વખતે રોટલો ઉગમણી દિશામાં રોટલો ગયો હોવાથી વડીલોનું કહેવું છે કે આ વખતે સારું ચોમાસું રહેશે. ગામના સ્થાનિક અગ્રણી ધારવીયા રમણિક દેવરાજભાઈના જણાવ્યા અનુસાર, ગામમાં છેલ્લા 500 વર્ષથી આ અનોખી પરંપરા ચાલી આવે છે. ચોમાસાની શરૂઆત થતાં જ અષાઢ મહિનાના પહેલા સોમવારે ગામના ઐતિહાસિક ‘ભમરિયા કૂવા’માં જુવારનો રોટલો પધરાવવામાં આવે છે. આ રોટલો કૂવાના પાણીમાં કઈ દિશા તરફ આગળ વધે છે, તેના આધારે ગ્રામજનો વરસાદ અને વર્ષ કેવું રહેશે તેનો વરતારો (આગાહી) કાઢે છે

ગ્રામજનોની વર્ષો જૂની માન્યતા અને અનુભવ મુજબ પૂર્વ દિશા:જો પાણીમાં તરતો રોટલો ઉગમણી એટલે કે પૂર્વ દિશા તરફ જાય, તો આગામી વર્ષ ખૂબ જ સારું રહેશે અને સારો વરસાદ પડશે તેવી પ્રબળ સંભાવના સેવાઈ છે. પશ્ચિમ દિશા: જો રોટલો આથમણી એટલે કે પશ્ચિમ દિશા તરફ ખસે, તો વર્ષ નબળું જવાની અથવા ઓછો વરસાદ પડવાની આશંકા રહે છે. આ પરંપરા માત્ર વરસાદની આગાહી પૂરતી સીમિત નથી, પરંતુ તે ગામની સામાજિક એકતા અને ભાઈચારાનું પણ સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. આ વિધિમાં ગામના જુદા જુદા સમુદાયો સક્રિય ભાગ લે છે. સવારના સમયે સતવારા જ્ઞાતિના ઘરે જુવારના લોટમાંથી આ ખાસ રોટલો તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ વાણંદનો દીકરો આ રોટલો લઈને કૂવા સુધી આવે છે અને અંતે દરબારનો દીકરો આ રોટલાને ભમરિયા કૂવાના પાણીમાં પધરાવે છે. સદીઓથી ચાલી આવતી આ લોકપરંપરા આજે પણ ગ્રામજનો માટે આસ્થા અને કુતૂહલનો વિષય બનેલી છે, અને આ વરતારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો કૂવા કાંઠે એકઠા થાય છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version