રાજકોટમાં ફી વધારાના મુદ્દે એનએસયુઆઈ નો વિરોધ.
રેલનગરની શાળાએ ફી વધારો કરતા એનએસયુઆઈનો વિરોધ.
એફઆરસીની મંજૂરી વગર શાળાએ ફી વધારો કરાયાનો આક્ષેપ.
રાજકોટના રેલનગરમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં આ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓની સામે વધુ ફી ઉઘરાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો હતો.
રાજકોટના રેલનગરમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં છેલ્લા બે વર્ષથી આ સ્કૂલની ફી નક્કી થઈ નથી તો કઈ રીતે અને કયા પ્રકારે આ ફી ઉઘરાવી શકે એવો સવાલ પણ કરાયો હતો. આ સાથે જ અહીં સ્કૂલ દ્વારા લેવામાં આવતી ફીની માહિતી નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવી ન હતી ઉપરાંત વેબસાઈટ પર પણ તેની માહિતી નથી ત્યારે તેને લઈને આજે વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. આ દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. એક કાર્યકર્તા રવિ જીતિયા તો સીડી ઉપરથી પોલીસ સાથે નીચે પડ્યો હતો. બાદમાં અહીં આ સ્કૂલની બહાર કાનૂની ચેતવણી સ્વરૂપે લગાવવામાં આવેલું બોર્ડ કાર્યકર્તાઓ દ્વારા ફાડી નાખવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં મોટાભાગની ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવે છે. ફી નિયમન સમિતિ સમક્ષ ખોટા દસ્તાવેજો રજૂ કરી વધુ ફી મંજૂર કરાવે છે એમાંની એક રાજકોટની કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ છે કે જ્યાં અમે આજે વિરોધ કરવા માટે આવ્યા છીએ
કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 1 થી 12 માં 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. NSUI દ્વારા આજે અહીં રજૂઆત કરવામાં આવી હતી અને તેમાં તેમના દ્વારા વાલીઓ પાસેથી કેટલી ફી લેવામાં આવશે તેની માહિતી માગવામાં આવી હતી જેથી અમે તે માહિતી આપી છે વર્ષ 2023- 24 માં ફી નિયમન સમિતિ દ્વારા તેથી નક્કી કરવામાં આવી છે તેનાથી પણ ઓછી ફી અમે વર્ષ 2025 -26 માં લઈએ છીએ. આ ઉપરાંત અમારી છેલ્લા બે વર્ષની ફી નક્કી થઈ નથી જોકે તેની ફાઈલ ફી નિયમન સમિતિ સમક્ષ પડી છે. આ સ્કૂલમાં લેવામાં આવતી ફી નોટીસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે અને વેબસાઈટ પર પણ મૂકવામાં આવશે. અહીં વિદ્યાર્થીઓએ ફી બાબતે અત્યાર સુધીમાં કોઈ પણ રજૂઆત કરી નથી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

