નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓ પગાર-ભથ્થામાં વધારાની માંગ સાથે હડતાળ પર
તહેવારોના દિવસોમાં હડતાળથી મહાનગરપાલિકાની કામગીરી ખોરવાઈ
વોટર વર્કસ, સેનેટરી, દબાણ હટાવ અને ફાયર વિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાયા
70 વોટર વર્કસ કર્મચારીઓ હડતાળમાં જોડાતાં પાણી પુરવઠા પર અસર
300થી વધુ સફાઈકર્મીઓ હડતાળ પર ઉતરતાં શહેરમાં કચરાના ઢગલા
નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ શ્રમિકો પગાર તથા ભથ્થામાં વધારો કરવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. તહેવારોના દિવસોમાં જ હડતાળ શરૂ થતાં મહાનગરપાલિકાની કામગીરી ખોરવાઈ છે અને શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. વોટર વર્કસ, સેનેટરી, દબાણ હટાવ અને ફાયર સહિતના મુખ્ય વિભાગોના કર્મચારીઓ કામથી અળગા રહ્યા છે. સમયસર પગાર નહીં મળતો હોવાની અને લાંબા સમયથી પગાર-ભથ્થામાં વધારો નહીં થતો હોવાની કર્મચારીઓની ફરિયાદ છે.
સમયસર પગાર નહીં મળતો હોવાની અને લાંબા સમયથી પગાર-ભથ્થામાં વધારો નહીં થતો હોવાની કર્મચારીઓની ફરિયાદ છે. 70 વોટર વર્કસ કર્મચારીઓ હડતાળમાં જોડાતાં પાણી પુરવઠા પર અસર પડી છે, જ્યારે 300થી વધુ સફાઈકર્મીઓ કામ પર નહીં આવતાં શહેરમાં કચરાના ઢગલા જામ્યા છે. જેના કારણે ગંદકી વધવાની સાથે રોગચાળો ફેલાવાની આશંકા પણ ઊભી થઈ છે. કર્મચારીઓના જણાવ્યા અનુસાર, પોતાની માંગણીઓને લઈને અગાઉ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય ઉકેલ નહીં આવતાં હડતાળનું પગલું ભરવું પડ્યું છે. ત્યારે તહેવારોના સમયમાં ખોરવાયેલી મ્યુનિસિપલ સેવાઓ ક્યારે પૂર્વવત થશે અને કર્મચારીઓની માંગણીઓનો ઉકેલ ક્યારે આવશે તે જોવું રહ્યું.

