નવસારી LCB પોલીસે ઘરકામના બહાને ચોરી કરતી મહિલાને ઝડપી
સોનાના દાગીના અને રોકડની ચોરી કરતી મહિલા
આરોપી સરલાબેન ઉર્ફે ગીતાબેન ઉર્ફે સવિતાબેન ઉર્ફે લીલાબેન ઝડપી
નવસારી LCB પોલીસે ઘરકામના બહાને ચોરી કરતી શાતિર મહિલાને ઝડપી પાડી
નવસારીમાં ઘરકામના બહાને ઘરમાલિકોનો વિશ્વાસ જીતીને સોનાના દાગીના અને રોકડની ચોરી કરતી મહિલાને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી છે. પોલીસ દ્વારા મહિલા પાસેથી કુલ ૩,૦૪,૦૬૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો, જેમાં સોનાનું બ્રેસલેટ, સોનાની ચેઇન, પેન્ડલ, કાનની બુટી અને ૩૯,૦૦૦ ની રોકડ રકમ સામેલ છે. બાતમીના આધારે નવસારી LCB ની ટીમે ગણદેવી રોડ પર આવેલા વિજયંત એપાર્ટમેન્ટમાં ચોરી કરનાર આ મહિલાને જુના ડેપો પાસેથી મુદ્દામાલ સાથે દબોચી લીધી
પોલીસ પૂછપરછમાં મહિલાએ કબૂલાત કરી છે કે તેના માથે દેવું થઈ ગયું હોવાથી તેણે આ ચોરી આચરી છે. પકડાયેલી મહિલા આરોપી સરલાબેન ઉર્ફે ગીતાબેન ઉર્ફે સવિતાબેન ઉર્ફે લીલાબેન અલગ-અલગ સોસાયટીઓમાં જુદા-જુદા નામે ઓળખ આપીને ઘરકામ મેળવતી હતી. થોડા દિવસ કામ કરી વિશ્વાસ જીત્યા બાદ તે ચોરી કરીને ફરાર થઈ જતી હતી.

