નવસારી સાયબર ક્રાઇમ પોલીસને એક મોટી સફળતા મળી
‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત પોલીસ એક્શનમાં
કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ આચરતી ગેંગનો પર્દાફાશ
નવસારી સાયબર ક્રાઇમ પોલીસને એક મોટી સફળતા મળી છે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ અને ડીજીપીશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત પોલીસે કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. અને 91 કરોડ રૂપિયાથી વધુની સાયબર ફ્રોડ છેતરપિંડી નો ભેદ કર્યો છે
નવસારી સાયબર ક્રાઇમ પોલીસને મળેલી એક ચોક્કસ બાતમીના આધારે નવસારીના એરુ ચાર રસ્તા પાસેથી બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં લખવિંદર સિંહ ઉર્ફે સર્વન સિંહ અને આદિત્ય ઉર્ફે બંટીનો સમાવેશ થાય છે. પોલીસે જ્યારે આ આરોપીઓના ઘર અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તપાસમાં પોલીસને કુલ 43 જેટલા ડેબિટ / ક્રેડિટ કાર્ડ, 7 જેટલી પાસબુક, સાથે આરોપીઓ આશરે 10 જેટલા સક્રિય બેંક એકાઉન્ટ ઓપરેટ કરતા હોવાનું બહાર આવ્યું છે.NCCRP પોર્ટલ અને હેલ્પલાઈન નંબર 1930 પર આ એકાઉન્ટ્સ વિરુદ્ધ દેશભરમાંથી કુલ 110 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. પ્રાથમિક તપાસમાં આશરે 91 કરોડ અને 54 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું ખૂલ્યું છે. આ ગુનાનો મુખ્ય સૂત્રધાર લખવિંદર સિંહ છે, જે છેલ્લા સવા વર્ષથી આ કાળા કારોબાર સાથે સંકળાયેલો હતો.
હાલમાં સાયબર ક્રાઇમ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કોર્ટમાં રજૂ કર્યા છે, જ્યાં કોર્ટે તેમના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ આ આખું નેટવર્ક કેવી રીતે ચાલતું હતું, ફ્રોડના પૈસા ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને આ ગેંગમાં બીજા કયા ગુનેગારો સામેલ છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરશે. આગામી દિવસોમાં આ રેકેટ સાથે જોડાયેલા અન્ય સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવશે….

