જૂનાગઢમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત દેશવ્યાપી નેટવર્ક
પોલીસે દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ કરી 8 આરોપીને ઝડપી લીધા
અલગ અલગ બહાના બતાવીને બેંક ખાતાની વિગતો મેળવી અંજામ આપ્યો
સમગ્ર ગુજરાતમાં સાયબર ક્રાઇમના ગુનાઓ રોકવા માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ “ઓપરેશન મ્યુલ હન્ટ” હાથ ધરવામાં આવ્યું છે. જેમાં જુનાગઢ એસઓજી દ્વારા ભારત સરકારના એનસીસીઆરપી પોર્ટલ અને સમન્વય પોર્ટલ પરથી મળેલી ટેકનિકલ વિગતોની તપાસ કરતાં, આરોપીના નામના બે અલગ-અલગ બેંક ખાતાઓમાં દેશભરમાંથી આવેલા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનોની માહિતી મળી હતી.
ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ જુનાગઢ ડિવિઝન પોલીસે ફરિયાદી નિલેશભાઈ ચૌહાણની ફરિયાદના આધારે જુનાગઢના રહેવાસી અન્સારી ઈકરામ અશરફભાઈ અને સાહિલશા ઉર્ફે ડાડો જાહિદશા બાનવા નામના બે ઇસમોની વિરુદ્ધ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે.આ આરોપીએ ગુનાહિત પ્રવૃત્તિ માટે પોતાના બેંક ખાતાનો ઉપયોગ થવા દીધો હતો. પોલીસે આ વ્યક્તિની સંડોવણીના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી અન્સારી ઈકરામ અશરફભાઈના બેંક ઓફ બરોડા અને ઈન્ડસઈન્ડ બેંકના બે અલગ-અલગ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે થયો હતો. આ ખાતાઓમાં જુલાઈ 2025 થી નવેમ્બર 2025 દરમિયાન ભારતભરના વિવિધ રાજ્યોના ભોગ બનનારાઓ પાસેથી મેળવેલી ફ્રોડની રકમ જમા થઈ હતી. તપાસ મુજબ, આ બંને ખાતાઓ પર કુલ 52 ફરિયાદો NCCRP પોર્ટલ પર નોંધાયેલી છે. આરોપીના આ બે ખાતાઓમાં ફ્રોડ દ્વારા મેળવેલી કુલ રકમ 16,04,255 ( સોળ લાખ, ચાર હજાર, બસ્સો પંચાવન રૂપિયા ) જમા થઈ હતી, જે દર્શાવે છે કે આ એકાઉન્ટ્સનો ઉપયોગ રાષ્ટ્રીય સ્તરના સાયબર ગુનાઓમાં થઈ રહ્યો હતો.
આ ગુના આચરનાર મુખ્ય સૂત્રધારો અને આરોપી અન્સારી ઈકરામ અશરફભાઈની મોડસ ઓપરેન્ડી સ્પષ્ટ છે. મુખ્ય સાયબર ક્રિમિનલો દેશભરના લોકોને ઓનલાઈન શોપિંગ, શેર બજારમાં રોકાણ, ક્રિપ્ટોકરન્સી, ફોરેન ટ્રેડિંગ અને વિવિધ પ્રકારની નાણાકીય લાલચ આપીને છેતરતા હતા. છેતરપિંડીની આ રકમોને સીધી રીતે રોકડમાં ન મેળવતા, તેને આરોપી અન્સારી ઈકરામ જેવા વ્યક્તિઓના ‘મ્યુલ એકાઉન્ટ્સ’ માં જમા કરાવતા હતા. આરોપીઓ કમિશન કે ભાડાની લાલચમાં આ ખાતાઓનો ઉપયોગ થવા દેતા હતા. નાણાં જમા થતાં જ, આરોપી નેટ બેન્કિંગ જેવી ઓનલાઈન સુવિધાઓ દ્વારા તેને અલગ-અલગ લેયરમાં અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને, રોકડમાં ઉપાડીને સગેવગે કરી દેતા હતા, જેથી નાણાંનો મૂળ સ્ત્રોત શોધી શકાય નહીં…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

