વસરાઈ ખાતે દિશા ફાઉન્ડેશન દ્વારા નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેર
તા. 26 મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રેડ ફેર ખુલ્લો મુકાશે
તા. 26 થી 29 ડિસેમ્બર સુધી રાજ્યમાં સૌપ્રથમવાર નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેર
આદિવાસી કલા, સંસ્કૃતિ, સ્વરોજગાર અને ઉદ્યોગોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા તેમજ આદિવાસી કારીગરો અને વ્યવસાયિકોને પ્લેટફોર્મ આપી બજાર સાથે જોડવાના ઉદ્દેશ્યથી સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે દિશા ફાઉન્ડેશન દ્વારા રાજ્યમાં સૌપ્રથમવાર નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેર યોજાશે.
સમસ્ત આદિવાસી સમાજ-ગુજરાત રાજ્ય અને સહયોગી સંસ્થાઓ દ્વારા આયોજિત ભારતના સૌથી મોટા આદિવાસી ઉદ્યોગ મેળા અને સાંસ્કૃતિક મહોત્સવનું ઉદ્દઘાટન તા. 26 મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રેડ ફેરને ખુલ્લો મૂકવામાં આવશે, એમ આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે દ્વારા જણાવાયું છે, બારડોલી સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, તા. 26 થી 29 ડિસેમ્બર દરમિયાન સવારે 10 થી રાત્રે 11 વાગ્યા દરમિયાન આયોજિત આ આ ટ્રેડફેર અને સાંસ્કૃતિક સમારોહમાં ત્રણ લાખથી વધુ લોકો જોડાશે. લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ, સ્પર્શ સમવેદના ફાઉન્ડેશન ટ્રસ્ટ, આદિવાસી વિકાસ કેડીટ કો.ઓ.સોસાયટી અને ગ્લોબલ ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ પણ સહઆયોજક છે.
ઉદ્યોગ મેળામાં કેન્દ્ર સરકારના ૪ કેબિનેટ અને રાજ્ય મંત્રીઓ, દેશના 5 રાજ્યોના આદિજાતિ મંત્રીઓ, આદિવાસી સાંસદ-ધારાસભ્યો ઉપસ્થિત રહેશે NTTF ના મુખ્ય આકર્ષણોમાં 350 થી વધુ સ્ટોલમાં પરંપરાગત હસ્તકલાથી લઈ વિશાળ બિઝનેસની ચીજવસ્તુઓ વેચાણ સહ પ્રદર્શિત થશે. 90 પરંપરાગત આદિવાસી ખાના-ખજાના સ્ટોલ, 1000 થી વધુ બિઝનેસ સાહસિકો જોડાશે તેમજ 10 હજારથી વધુ વ્યવસાયકારો, ધંધાર્થીઓ, બિઝનેસ ઓનરોનું નેટવર્ક બનાવવાનું આ મોટું પ્લેટફોર્મ બનશે. આનો મુખ્ય આશય આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર આદિવાસી બને તે રહેલો છે.

