તાપીમાં માસૂમ બાળકી પર નરાધમનું અત્યાચાર
52 વર્ષીય વૃદ્ધે આચર્યું દુષ્કર્મ,
પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો
તાપી જિલ્લાના નિઝર તાલુકામાંથી માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નિઝરના એક ગામમાં માત્ર 8 વર્ષ અને 9 મહિનાની માસૂમ બાળકી સાથે પિતાતુલ્ય વયના એક શખ્સે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વિગતવાર પ્રાપ્ત માહિતી અનુસાર, નિઝર તાલુકાના એક ગામમાં રહેતી અને શાળાએ જતી નાનકડી બાળકીને ગામના જ 52 વર્ષીય રમેશ પચીયા વણવી નામના શખ્સે પોતાની હવસનો શિકાર બનાવી હતી. નરાધમ રમેશે માસૂમ બાળકીને પૈસાની લાલચ આપી ફોસલાવી હતી અને ત્યારબાદ તેને નજીકના તુવેરના ખેતરમાં લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ ચકચારી ઘટનાની જાણ થતા જ પરિવારજનો દ્વારા તાત્કાલિક નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને નિઝર પોલીસે એક્શન મોડમાં આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપી રમેશ વણવીને દબોચી લીધો છે. સાથેજ આરોપી વિરુદ્ધ POCSO (પોક્સો) એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. સમાજમાં આવી વિકૃત માનસિકતા ધરાવતા શખ્સો સામે કડક પગલાં લેવાય તેવી લોક માંગ ઉઠી છે…..
