રાજકોટમાં નાખોરીનો ગ્રાફ ચિંતાજનક
ભગવતીપરામાં લોહીલુહાણ હાલતમાં મળ્યો યુવતીનો મૃતદેહ
33 વર્ષીય સ્નેહાની તીક્ષ્ણ હથિયારથી હત્યા થઈ હોવાની આશંકા
રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. બે દિવસ પહેલા જ્યાં જૂથ અથડામણ થઈ હતી, તે જ ભગવતીપરા વિસ્તારમાં હવે વધુ એક હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. કોપર ગ્રીન સોસાયટીમાં રહેતી 33 વર્ષીય પરિણીત યુવતી સ્નેહા હિતેશભાઈ આસોડિયાનો મૃતદેહ વહેલી સવારે ઘર નજીક એક ખુલ્લા પ્લોટમાંથી મળી આવ્યો છે.
રાજકોટ ભગવતીપરા વિસ્તારમાં 33 વર્ષીય પરિણીત યુવતી સ્નેહાની થયેલી હત્યા મામલે મળતી માહિતી મુજબ સ્નેહા આસોડિયા ગત સાંજે આશરે સાત વાગ્યાની આસપાસ તેના પતિને જણાવીને પાણીપુરી ખાવા માટે નીકળી હતી. યુવતીએ તેના પતિને કહ્યું હતું કે તે પાણીપુરી ખાવા જાય છે અને પતિ ફેક્ટરીમાંથી આવે ત્યારે તેને લેતા આવે. વહેલી સવારે સ્નેહાનો મૃતદેહ ઘર નજીક ખુલ્લા પ્લોટમાંથી મળી આવ્યો હતો. રાજકોટના ACP બી.બી. જાધવે ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે. આ વિસ્તારમાં બે દિવસ પહેલા જ જૂથ અથડામણ થઈ હોવાથી અને હવે હત્યાનો બનાવ બનતા, બી ડિવિઝન પોલીસ મથકનો વિસ્તાર જાણે ગુનાઓનું ઘર બન્યો હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પોલીસે હવે યુવતીની હત્યા પાછળનું કારણ અને હત્યારાને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
33 વર્ષીય પરિણીત યુવતી સ્નેહાની હત્યાના પ્રાથમિક તારણ મુજબ, તીક્ષ્ણ હથિયાર વડે મોઢાના ભાગે ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી છે. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાસ્થળે તાત્કાલિક બી ડિવિઝન પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા. હત્યાની સઘન તપાસ માટે FSL ની મદદ લેવામાં આવી રહી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

