મોહમ્મદ વાણીયાએ ટોકિયો ઓલિમ્પિકમાં એર શૂટિંગમાં મેડલ જીત્યો
એર શૂટિંગ કોમ્પિટિશનમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો
ભારત, ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું
સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા મળેલા મજબૂત આધાર થકી એસ.આર.કે.આઈ. ઈન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી મોહમ્મદ વાણીયાએ ટોકિયો ઓલિમ્પિકમાં એર શૂટિંગ કોમ્પિટિશનમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી વૈશ્વિક સ્તરે ભારત, ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું છે.
સુરતના યુવા શૂટર મોહમ્મદ વાણીયાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે પ્રતિભા અને જિદ્દ સામે કોઈ અડચણ મોટી નથી હોતી. સાર્વજનિક યુનિવર્સિટી સંલગ્ન એલ,આપ,રે,આઈ, ઇન્સ્ટિટ્યૂટમાં બીએસસી-આઈટીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા મોહમ્મદએ ટોકિયામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સ્તરની સ્પર્ધામાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને ભારત, ગુજરાત અને સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજતું કર્યું છે. મોહમ્મદને જન્મથી સાંભળવાની શક્તિ નથી, છતાં આ કાયમી મુશ્કેલી તેને રોકી ન શકી. બદલે એ જ તેની સૌથી મોટી પ્રેરણા બની. રાઇફલ શૂટિંગ જેવી રમત, જ્યાં એકાગ્રતા અને સ્વનિયંત્રણ સૌથી અગત્યના હોય, ત્યાં મોહમ્મદે પોતાની ધીરજ, મહેનત અને આગ્રહથી વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. મોહમ્મદની પ્રતિભાની જાણ થતાં જ સાર્વજનિક યુનિવર્સિટીએ તેની સંપૂર્ણ રીતે સાથે ઉભી રહી હતી. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યાએ જણાવ્યું કે મોહમ્મદ જેવી પ્રતિભા ખૂબ દુર્લભ હોય છે. તેને સફળ થવા માટે યુનિવર્સિટીના દરવાજા અને તમામ સ્રોતો પૂર્ણ ખુલ્લા રાખવામાં આવ્યા છે.
માત્ર સહકાર જ નહીં, તેની પ્રેરક સફળતાને બિરદાવતાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ આશિષભાઈ વકીલે મોહમ્મદને વિશાળ પ્રોત્સાહન આપતાં જાહેરાત કરી છે કે એસ.આર.કે.આઈ. ઈન્સ્ટિટ્યૂટમાં તે ભણતો રહેશે ત્યાં સુધી તેને સંપૂર્ણ સ્કોલરશીપ મળશે. મોહમ્મદ કહે છે કે તે છેલ્લા ચાર વર્ષથી સતત મહેનત કરી રહ્યો હતો. દરરોજ ચારથી પાંચ કલાક એર રાઇફલ સાથે પ્રેક્ટિસ કરું છું. આખરે આ મહેનતનું ફળ મેડલ તરીકે મળ્યું છે એ મારા માટે સપનાથી પણ વધુ છે.શ્રવણશક્તિ ન હોવાની અડચણને તેને એક ક્ષણ માટે પણ બહાનું નહીં માની તેને શક્તિમાં ફેરવી દીધી છે. તેની ફોકસ ક્ષમતા અને એકાગ્રતા તેને અન્ય ઘણી વખત સ્પર્ધકો કરતાં આગળ લઈ ગઈ છે. મોહમ્મદ વાણીયાની સફળતા માત્ર મેડલ સુધી સીમિત નથી તે એક સંદેશ છે કે કમજોરી કોઈને રોકતી નથી… જો ઈચ્છા મજબૂત હોય તો દુનિયા પણ માનશે. સુરતના આ યુવા શૂટરે વિશ્વમંચ પર જે તેજ ફેલાવ્યો છે, તે ભાવિ ડેફ એથ્લેટ્સ અને તમામ ઊભરતા ખેલાડીઓને નવી પ્રેરણા આપી રહ્યો છે.
