સિંગણપોર-ડભોલીમાં મોબાઇલ સ્નેચિંગ ગેંગ ઝડપાઈ
પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા
ગેંગ પાસેથી 58 મોબાઇલ અને Yamaha MT-15 કબજે
પોલીસે કુલ ₹6.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પેટ્રોલિંગ દરમિયાન બે યુવકો ઝડપાતા ગેંગનો ભેદ ખુલ્યો
સુરતના સિંગણપોર-ડભોલી વિસ્તારમાં મોબાઇલ સ્નેચિંગ કરતી ગેંગને સિંગણપોર-ડભોલી પોલીસે ઝડપી પાડી હતી. સિંગણપોર-ડભોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે યુવકોને ઝડપી પાડ્યા બાદ થયેલી પૂછપરછમાં સમગ્ર નેટવર્કનો ખુલાસો થયો હતો. પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડીને 58 મોબાઇલ અને યામાહા એમટી-15 બાઇક સહિત કુલ 6.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સિંગણપોર-ડભોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વિજયરાજ સર્કલ પાસેથી નંબર પ્લેટ વગરની કાળી યામાહા એમટી-15 બાઇક પર સવાર રોહિત યાદવ અને સત્યમ ઝાને ઝડપી પાડવામાં આવ્યા હતા. અને પોલીસે રોહિત પાસેથી ત્રણ મોબાઇલ અને 2 લાખની યામાહા એમટી-15 બાઇક કબજે કરી હતી. જ્યારે સત્યમ ઝાની પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીઓ છેલ્લા દોઢેક મહિનાથી સુરતના અલગ-અલગ વિસ્તારોમાં રાહદારીઓના મોબાઇલ સ્નેચિંગ કરી રહ્યા હતા અને ચોરાયેલા મોબાઇલ નવેનાથના ખાડા વિસ્તારમાં આવેલી મોબાઇલની દુકાનમાં વેચી રહ્યા હતા. જેથી સિંગણપોર-ડભોલી પોલીસે દુકાનદાર રમેશકુમાર પ્રજાપતિને ઝડપી પાડી તેની દુકાન અને અંગઝડતી દરમિયાન વધુ 55 મોબાઇલ કબજે કર્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ચોરાયેલા મોબાઇલમાંથી સ્પેરપાર્ટ્સ કાઢીને અન્ય મોબાઇલમાં ઉપયોગ કરવા તેમજ સ્પેરપાર્ટ્સ બજારમાં વેચી આર્થિક લાભ મેળવવામાં આવતો હતો. આ સમગ્ર કાર્યવાહીમાં કુલ 58 મોબાઇલ અને એક યામાહા એમટી-15 બાઇક મળી 6.10 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે રોહિત યાદવ, સત્યમ ઝા અને રમેશકુમાર પ્રજાપતિની ધરપકડ કરી હતી. જ્યારે અર્જુન યાદવ નામનો અન્ય આરોપી હાલ ફરાર છે.

