સુરતના ગોડાદરામાં પોલીસકર્મી પર ટોળાનો હુમલો,
15થી 20 શખ્સો સામે આક્ષેપ
બાઇક અથડાવાની સામાન્ય બાબતે પોલીસકર્મીને રસ્તા પર પટકી માર માર્યો
પત્નીની નજર સામે જ પોલીસકર્મી પર હુમલો, મોડી રાત્રે ફરિયાદ નોંધાઈ
સુરતના ગોડાદરા વિસ્તારમાં સામાન્ય બાબતે મારામારીની ગંભીર ઘટના બની હતી. જેમાં બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતે રાંદેર પોલીસના એક કર્મચારી પર 15થી 20 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. પત્નીની નજર સામે જ પોલીસકર્મીને રસ્તા પર પટકી માર મારવામાં આવ્યો હતો. જે અંગે મોડી રાત્રે ફરિયાદ નોંધાઈ હતી.
સુરતના ગોડાદરા વિસ્તારમાં બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતે વિવાદ ઉગ્ર બન્યો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. મળતી માહિતી મુજબ રાંદેર વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસકર્મી આઝાદસિંહ પર 15થી 20 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. પોલીસકર્મી હોવાની ઓળખ હોવા છતાં હુમલાખોરોએ તેમની સાથે મારામારી કરી અને રસ્તા પર પટકી બેફામ માર માર્યો હતો. આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસકર્મીની પત્ની પણ હાજર હતી. ઘટના બાદ મોડી રાત્રે જમાદાર આઝાદસિંહની ફરિયાદના આધારે ગોડાદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હવે આ હુમલામાં કોણ-કોણ સામેલ હતું અને સમગ્ર વિવાદ કયા કારણોસર થયો હતો, તે તપાસમાં બહાર આવશે.

