પોરબંદરના વધુ 19 યુવકો અને યુવતીઓ સાથે થઈ લાખોની ઠગાઈ.
થાઈલેન્ડમાં ફસાયેલા તમામને પોરબંદર લાવવામાં આવ્યા
મહિપતસિંહે ગુજરાત લાવી પોરબંદર મોકલવાની વ્યવસ્થા પણ કરી
પોરબંદર જિલ્લાના 19 યુવાન અને યુવતીઓ પાસે રહેવા તથા જમવાના પણ પૈસા ન હોવાથી 4 દિવસથી તેઓ રસ્તા પર ભૂખ્યા તરસ્યા રહી પોરબંદર વાપસીની રાહ જોઈ રહ્યા હતા અંતે તેઓ પોરબંદર પરત ફર્યા છે અને તેઓને મોકલનાર શખ્સે ફોન પણ બંધ કરી દીધો હતો.
પોરબંદર જિલ્લાના 19 યુવાન અને યુવતીઓ થાઈલેન્ડમાં ફસાયા બાદ પરત ફર્યા છે ત્યારે તેમણે પોતાની આપવીતી જણાવી હતી, પોરબંદર અને આસપાસના વિસ્તારોમાંથી 19 જેટલા યુવાન અને યુવતીઓને મૂળ પોરબંદર તથા હાલ સાયપ્રસ રહેતા શખ્સ તથા તેના જાણીતા શખ્સે થાઇલેન્ડના બેંગકોકના પટાયા ખાતે હોટલમાં હાઉસ કીપીંગની નોકરી હોવાનું અને 2 વર્ષ ના વિઝા સાથે દર મહીને રૂ.50 હજાર પગાર ચૂકવવામાં આવશે તેવું જણાવ્યું હતું. ગત એપ્રિલ મહિનામાં તમામ પાસે થી રૂ. 3 થી 4 લાખની માતબર રકમ લઇ તા. 27 એપ્રિલે તેઓને થાઈલેન્ડ મોકલ્યા હતા, ત્યાર બાદ દિવસો વીતી ગયા હોવા છતાં તેઓને અહી કોઈ નોકરી આપી ન હતી અને તેઓએ સાથે લાવેલ અહીની કરન્સી પણ વપરાઈ ગઈ હતી. યુવાનોએ પોતાની આપવીતી જણાવતો અને ફસાયા હોવાનો તથા મદદ કરો તેવી વિડિઓ વાયરલ કર્યો હતો, જેથી પટાયાના સ્થાનિક ભારતીયોને જાણ થતા તેઓ આ 19 યુવાવર્ગને મદદે આવ્યા હતા અને તેઓને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપી હતી. મહિપતસિંહે ગુજરાત લાવી પોરબંદર મોકલવાની વ્યવસ્થા પણ કરી
મહત્વની વાત એ છે કે વિદેશી ધરતી પર ફસાયેલા યુવાનોના વિઝા પણ તા.25 જૂને પુરા થઈ રહ્યા હતા અને પોરબંદર વાપસી માટે તેઓ પાસે રૂપિયા ન હતા, આથી આણંદના મહિપતસિંહ ફાઉન્ડેશન સંસ્થા તેઓની મદદે આવી હતી અને તમામની ટીકીટની વ્યવસ્થા કરી હતી . આથી આ તમામ 19 યુવાન અને યુવતી પોરબંદર પોતાના વતન પરત ફર્યા હતા. તેઓનું પોરબંદર ખાતે સ્વાગત કરાયું હતું. તેઓને તથા તેમના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. પટાયાથી આ યુવાનો અને યુવતીઓની મદદ કરનાર તુષારભાઈ પટેલ પણ આ યુવાનોને મોકલવા પોરબંદર ખાતે આવ્યા હતા ત્યારે તેઓનો પણ યુવા યુવતીઓ અને પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો…..