Site icon hindtv.in

બારડોલી તાલુકા પંચાયતના પ્રમુખ પદે મયુરભાઈ રાઠોડ

બારડોલી તાલુકા પંચાયતના પ્રમુખ પદે મયુરભાઈ રાઠોડ
Spread the love

બારડોલી તાલુકા પંચાયતના પ્રમુખ પદે મયુરભાઈ રાઠોડ
ઉપપ્રમુખ પદે હેમંતસિંહ બારડની વિધિવત વરણી

બારડોલી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આજે શનિવારના રોજ વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, જેમાં ભાજપ પ્રેરિત ઉમેદવારો સત્તાવાર રીતે બિનહરીફ વિજેતા જાહેર થયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૨૨માંથી ૨૧ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યા બાદ ભાજપે આજે વિધિવત રીતે સત્તાનું સુકાન સંભાળ્યું છે, જ્યારે અસ્તાન બેઠક પર ઉમેદવારના નિધન બાદ આગામી રવિવારે ચૂંટણી યોજાનાર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રાંત અધિકારી જીજ્ઞા પરમારના અધ્યક્ષ સ્થાને આજે શનિવારે તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી હતી. આ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વિધિવત વરણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અગાઉ જિલ્લા વિકાસ અધિકારીના જાહેરનામા અન્વયે ચૂંટણી અધિકારી મહેશ શિરોયા સમક્ષ ઉમેદવારી પત્રો ભરાયા હતા, જેમાં સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભાવેશ પટેલ પક્ષનું મેન્ડેટ લઈને આવ્યા હતા. પક્ષના મેન્ડેટ અનુસાર, પ્રમુખ પદ માટે વરાડ બેઠકના ઉમેદવાર મયુરભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ પદ માટે વડોલી બેઠકના ઉમેદવાર હેમંતસિંહ બારડના નામ સામે આવ્યા હતા. આ બંને હોદ્દાઓ માટે અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ન ભર્યા હોવાથી આજે મળેલી પ્રથમ બેઠકમાં પ્રાંત અધિકારી જીજ્ઞા પરમાર દ્વારા બંનેને સત્તાવાર રીતે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત પક્ષ દ્વારા કારોબારી અધ્યક્ષ તરીકે મઢી બેઠકના મનોજભાઇ ચૌધરી, શાસક પક્ષના નેતા તરીકે સુરેશગીરી ગૌસ્વામી અને દંડક તરીકે જાગૃતિબેન હળપતિના નામની પણ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જો કે તેમની વિધિવત વરણી આગામી સામાન્ય સભામાં કરવામાં આવશે. જેમા તાલુકા સંગઠન પ્રમુખ ડો.આનંદ પટેલ. મહા મંત્રી જીતેન્દ્રસિંહ વાંસિયા. મહા મંત્રી હિમાંશુ પટેલ. તેમજ કાર્યકરો ઉપસ્થિત રહીયા હતા.

Exit mobile version