Site icon hindtv.in

નવસારીમાં વરસાદી કહેર બાદ મનપા એક્શનમાં..

નવસારીમાં વરસાદી કહેર બાદ મનપા એક્શનમાં..
Spread the love

નવસારીમાં વરસાદી કહેર બાદ મનપા એક્શનમાં..
જળબંબાકારના કાયમી ઉકેલ માટે મેદાનમાં ઉતર્યું તંત્ર
હજુ પણ ગંદકી, દૂષિત પાણી અને અવરજવર જેવી ગંભીર મુશ્કેલી

નવસારી શહેરમાં ભારે વરસાદ અને પૂર્ણા નદીના જળસ્તરમાં આવેલા વધારાને કારણે શાંતાદેવી રોડ વિસ્તાર પૂરના પાણીમાં ગરકાવ થયો હતો. હાલ વરસાદે વિરામ લીધો છે અને નદીના જળસ્તરમાં પણ ઘટાડો નોંધાયો છે, ત્યારે નવસારીમાં વરસાદી કહેર બાદ મનપા એક્શનમાં આવ્યું છે

નવસારીમાં વરસાદી કહેર બાદ હજુ સુધી પૂરના પાણીનો સંપૂર્ણ નિકાલ થયો નથી. પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલતાં સ્થાનિક રહેવાસીઓને હજુ પણ ગંદકી, દૂષિત પાણી અને અવરજવર જેવી ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પૂરના પાણી સાથે આવેલા કચરા અને ડ્રેનેજ લાઈનની યોગ્ય સફાઈ ન થવાને કારણે સમગ્ર ડ્રેનેજ વ્યવસ્થા ચોકઅપ થઈ ગઈ છે. પરિણામે દૂષિત પાણીનો નિકાલ અટકી ગયો છે. પાલિકા તંત્ર તરફથી સમયસર કોઈ કામગીરી ન થતાં ગાંધીનગર સોસાયટીની મહિલાઓએ જાતે જ રસ્તા પર ઉતરી સોસાયટીમાંથી ગંદુ પાણી બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. ત્યારે હવે જળબંબાકારના કાયમી ઉકેલ માટે મનપા તંત્ર મેદાનમાં ઉતર્યું છે

સ્થાનિકોના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓ ઊંચા બનાવવામાં આવ્યા છે, જ્યારે આસપાસની સોસાયટીઓ નીચાણમાં આવી ગઈ છે. જેના કારણે વરસાદ કે પૂર દરમિયાન રસ્તા પરનું તમામ પાણી સીધું સોસાયટીઓમાં ભરાઈ જાય છે. આ સમસ્યાના કારણે દર ચોમાસે રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પૂરના પાણી ઓસર્યા બાદ પણ સમગ્ર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. દૂષિત પાણી અને કચરાના કારણે રોગચાળો ફેલાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પૂરની સ્થિતિ બાદ પણ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ હજુ સુધી વિસ્તારમાં પહોંચ્યા નથી. જેના કારણે મહિલાઓમાં પાલિકા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version