ચંદી પડવા પહેલાં સુરતમાં માવાના વેપારીઓને ત્યાં મનપાનું ચેકિંગ
ઘારી-ભૂસામાં ભેળસેળ રોકવા મનપાનો ફૂડ સેફ્ટી વિભાગ સક્રિય
તહેવાર પહેલાં સુરતના તમામ ઝોનમાં માવાના વેપારીઓને ત્યાં દરોડા
આગામી મંગળવારે ચંદી પડવાનો તહેવાર આવી રહ્યો હોય જેમાં સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી અને ભૂસું આરોગશે. આ દરમિયાન ખાદ્યપદાર્થોમાં ભેળસેળ ન થાય અને લોકોને ગુણવત્તાયુક્ત મીઠાઈ મળી રહે તે માટે મનપાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં માવાના વેપારીઓને ત્યાં દરોડા અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
સુરતમાં તહેવારો પહેલાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવા મનપાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ચંદી પડવાના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરતમાં ઘારી અને ભૂસુંની મોટા પાયે ખરીદી થવાની છે. તહેવારો દરમિયાન માવાની માંગમાં વધારો થતો હોવાથી મનપાના ફૂડ સેફ્ટી વિભાગે શહેરના તમામ ઝોનમાં માવાના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું છે. ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

