સુરતની મહેમાન બની મૈથિલી ઠાકુર ડાયમંડ ફેક્ટરીમાં રત્નકલાકાર બની હીરા ઘસ્યા,
ગુજરાતી ભજનોની રમઝટ બોલાવી
જાણીતી ગાયિકા અને બિહારની ધારાસભ્ય મૈથિલી ઠાકુર સુરતની મહેમાન બની હતી. અને ડાયમંડ સિટીમાં પહોંચી હીરા ઉદ્યોગને નજીકથી જાણ્યો હતો.
બિહારના અલીનગર વિધાનસભાના ધારાસભ્ય અને પોતાની સુરીલી ગાયકીથી દેશભરમાં જાણીતી બનેલી મૈથિલી ઠાકુર સુરતની મુલાકાતે આવી પહોંચી હતી. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર બાદ તેઓ ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં મહેમાન બન્યા હતાં. મૈથિલી ઠાકુરે ડાયમંડ કિંગ તરીકે જાણીતા સવજીભાઈ ધોળકિયાની હરેકૃષ્ણ ડાયમંડ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. અહીં હીરા બનાવવાની પ્રક્રિયા નજીકથી નિહાળી અને પોતાના હાથમાં અસલી હીરા લઈને તેની ચમક અને કટિંગનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન મૈથિલીએ રત્નકલાકારો સાથે બેસી હીરા ઘસવાનો અનુભવ પણ કર્યો હતો. જેને જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. આ ઉપરાંત મૈથિલી ઠાકુરે ગુજરાતી ભજનો ગાઈ સૌનું મન મોહી લીધું હતું. મેથિલી ઠાકુરના ગાયકી અને ડાયમંડ ફેક્ટરીના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેને લોકો ભારે પ્રમાણમાં શેર કરી રહ્યા છે.

