મહેસાણામાં પાટીદાર સમાજની દીકરીઓના પ્રેમલગ્ન મામલો
પ્રેમલગ્ન બાદ બે દીકરીઓના અપહરણની ઘટનાઓ
અપહરણ કરવામાં આવી હોવાના કેસમાં હવે નવો વળાંક આવ્યો
તાજેતરમાં મહેસાણામાં ડૉ. ચાંદની અને ડૉ. સ્મિત પરમારના પ્રેમલગ્નનો મામલો ગરમાયો છે, જેમાં પાટીદાર સમાજના ધરણા અને ભારે વિરોધ બાદ આખરે ડૉ. સ્મિતના પરિવારજનો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મહેસાણા શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાલનપુરના સદરપુર ગામે રહેતા 50 વર્ષીય નીતાબેન પટેલે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ અનુસાર 25 વર્ષીય દીકરી ચાંદની અમદાવાદની બત્રાસ હોસ્પિટલમાં નોકરી કરતી હતી. આ દરમિયાન તેણે પરિવારની જાણ બહાર અને મરજી વિરુદ્ધ મહેસાણાના ડૉ. સ્મિત પરમાર સાથે આશરે એક મહિના અગાઉ પ્રેમલગ્ન કરી લીધા હતા. દીકરીના આ નિર્ણયથી વ્યથિત થયેલા માતા નીતાબેન ગત 18 ઓગસ્ટના રોજ મહેસાણાની શિવ વાટીકા ચામુંડા ચોકડી ખાતે આવેલા ડૉ. સ્મિત પરમારના ઘરે દીકરીની શોધખોળ કરવા અને તેને સમજાવવા ગયા હતા. નીતાબેન પોતાની દીકરીને ઘરે સમજાવી રહ્યા હતા પરંતુ તે તેમના કહ્યામાં ન હોવાનો પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ જ સમયે ચાંદનીને તેના ભાઈઓ ત્યાંથી લઈ જઈ રહ્યા હતા, ત્યારે સ્મિત પરમારના ઘરના સભ્યો અને તેમના અન્ય ભાઈઓએ એકદમ ઉશ્કેરાઈ જઈને નીતાબેનને પકડી લીધા હતા. આરોપીઓએ તેમની સાથે જબરજસ્તી ખેંચતાણ કરી હતી અને ભેગા મળીને ઘરમાં લઈ જઈ તેમના કપડાં ખેંચીને સખત મારઝૂડ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મહેસાણામાં ડો. સ્મિત પરમારના પત્ની ડો. ચાંદની પટેલને તેના પિયર પક્ષના લોકો દ્વારા સાસરીના ઘરેથી અપહરણ કરવામાં આવી હોવાના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. અગાઉ યુવતીના પિયર પક્ષના લોકો સામે અપહરણ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજે 21 ઓગસ્ટે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો મહેસાણાના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પરિસરમાં એકઠા થયા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જો ફરિયાદ લેવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાત લેવલે મોટું આંદોલન કરવામાં આવશે. તેમણે સરકાર અને પોલીસને વહેલી તકે ફરિયાદ નોંધવાની વિનંતી સાથે ચેતવણી આપી હતી કે જો ફરિયાદ લેવામાં નહીં આવે તો તેના વિપરીત પરિણામો માટે જવાબદારી પણ નક્કી થશે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

