દાહોદમાં ગરબાડાના પાંચવાડા ગામે દીપડાનો હુમલો.
ખેતરમાં કામ કરતી વખતે દીપડાએ 3 લોકો પર કર્યો હુમલો.
પંકજ માવી, મનોજ માવી અને રાકેશ પરમાર ઈજાગ્રસ્ત.
દાહોદના ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે ખેતરમાં કામ કરી રહેલા ત્રણ લોકો પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણેયને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને ગ્રામજનોમાં દીપડાના આતંકને પગલે ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં દીપડાના હુમલાની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગરબાડાના પાંચવાડા ગામે વન્ય પ્રાણીના આતંકને કારણે સમગ્ર વિસ્તારમાં ફયનો માહોલ વ્યાપી ગયો છે. ખેતરમાં કામ કરી રહેલા શ્રમિકો પર દીપડાએ અચાનક ત્રાટકીને તેમને લહુહાણ કરી દીધા હતા. હાલ ત્રણેય શ્રમિકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની વિગતો મુજબ પાંચવાડા ગામના સીમ વિસ્તારમાં જ્યારે માળ ફળિયાના ત્રણ લોકો ખેતરમાં ખેતીકામ કરી રહ્યા હતા, ત્યારે ઝાડીઓમાં છુપાયેલા દીપડાએ એકાએક હુમલો કર્યો હતો. દીપડાએ એટલી ઝડપથી હુમલો કર્યો કે આ લોકોને ભાગવાનો કોઈ મોકો મળ્યો નહોતો. દીપડાએ પંજા અને દાંત વડે ત્રણેય વ્યક્તિઓના માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ભોગ બનનારના કકળાટ અને બચાવોની બૂમો સાંભળી આસપાસના ખેતરોમાંથી અન્ય ગ્રામજનો દોડી આવ્યા હતા, જેના કારણે દીપડો જંગલ તરફ ભાગી છૂટ્યો હતો.
સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક એકઠા થઈને લોહીલુહાણ હાલતમાં રહેલા ત્રણેય ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ઘટનાને પગલે પાંચવાડા સહિત આસપાસના ગામડાઓમાં ફફડાટ ફેલાયો છે અને લોકો હવે ખેતરે જતા પણ ડરી રહ્યા છે. વન વિભાગ સામે રોષ વ્યક્ત કરતા ગ્રામજનોએ માંગ કરી છે કે આ નરભક્ષી દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે. ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. વનકર્મીઓએ દીપડાના પગના નિશાન મેળવી તેની હિલચાલ પર નજર રાખવા માટે તપાસ શરૂ કરી છે. તંત્ર દ્વારા આ વિસ્તારમાં પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી ફરી કોઈ આવી જાનહાનિ ન થાય અને લોકો સુરક્ષિત અનુભવી શકે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

