સુરત નાસીર નગરમાં ડિમોલિશન મામલે હવે કાનૂની લડાઈ શરૂ
અસરગ્રસ્ત પરિવારો દ્વારા ગુજરાત હાઈકોર્ટનો દરવાજે
ડિમોલિશન કાર્યવાહી અંગે અનેક સવાલો ઉઠતા મામલો હાઈકોર્ટમાં
સુરતના વેડ દરવાજા નજીક આવેલા નાસીર નગરમાં કરાયેલા ડિમોલિશન મામલે હવે કાનૂની લડાઈ શરૂ થઈ છે. અસરગ્રસ્ત પરિવારો દ્વારા ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો છે. ડિમોલિશન કાર્યવાહી અંગે અનેક સવાલો ઉઠતા હવે સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે.
સુરતના વેડ દરવાજા પાસે આવેલા નાસીર નગર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી છે. અસરગ્રસ્ત શેખ હુસેન અજીજે એડવોકેટ ઝમીર શેખ મારફતે હાઈકોર્ટમાં અરજી કરી છે. પીટીશનમાં જણાવાયું છે કે સુરત મહાનગરપાલિકા અને પોલીસની હાજરીમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે બાદમાં પાલિકા દ્વારા આ કાર્યવાહી અંગે હાથ ખંખેરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
નાસીર નગર વિસ્તારમાં 100થી વધુ ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેના કારણે અનેક પરિવારો બેઘર બન્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ડિમોલિશનની કાયદેસરતા, જવાબદારી અને અસરગ્રસ્તોને થયેલા નુકસાન અંગે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન મહત્વના પ્રશ્નો ઉઠે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે હાઈકોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

