શું તમારા મોબાઇલનું કોલ અને કીપેડ સ્ક્રીન અચાનક બદલાઈ ગયું છે? જાણો કેમ આવું થયું…
Google Android Keypad Design Change: શું તમારા એન્ડ્રોઇડ મોબાઇલનું ડાયલર અથવા તો કોલ સ્ક્રીન અચાનક બદલાઈ ગયું છે? જો એવું હોય તો તમે એકલા નથી. ઘણાં યુઝર્સના મોબાઇલની ફોન એપમાં આ લેઆઉટમાં બદલાવ જોવા મળી રહ્યો છે. યુઝર્સ દ્વારા કોઈ મેન્યુઅલ અપડેટ ન કરી હોવા છતાં એ જોવા મળી રહ્યું છે. યુઝરને આ માટે કોઈ નોટિફિકેશન પણ આપવામાં નથી આવ્યું. આ માટેનું કારણ ગૂગલ પોતે છે. ગૂગલ દ્વારા મટિરિયલ 3 એક્સપ્રેસિવ રીડિઝાઇન રિલીઝ કરવામાં આવી છે. એટલે કે ગૂગલની કોમ્યુનિકેશનની મુખ્ય એપ્લિકેશનની કોર ડિઝાઇનને બદલવામાં આવી છે.
ગૂગલની ફોન એપમાં નવું શું છે? ગૂગલ દ્વારા મટિરિયલ 3 એક્સપ્રેસિવ રીડિઝાઇન દ્વારા મોર્ડન લૂક આપવામાં આવી રહ્યો છે. એન્ડ્રોઇડ અને વેર ઓએસ વચ્ચે હવે યુઝરને સરખો અને સારો અનુભવ મળે એની કોશિશ કરવામાં આવી રહી છે. આ માટે ફોન એપમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યાં છે. યુનિફાઇડ હોમ ટેબ: ફેવરિટ નંબર અને રિસેન્ટ કોલ નંબરને હવે એક જ ટેબમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કોલ હિસ્ટ્રીની ઉપર હવે ફેવરિટ નંબરને દેખાડવામાં આવશે. એક રીતે કહીએ તો સ્ક્રીનના ભાગલા પાડવામાં આવ્યાં છે. કીપેડમાં બદલાવ: એક્શન બટન જે હતું એને કાઢી નાખવામાં આવ્યું છે. કીપેડનું હવે પોતાની ટેબ છે અને એને હવે ગોળાકાર બનાવી દેવામાં આવી છે. આ એક કાર્ડ-સ્ટાઇલ લેઆઉટ છે. નેવિગેશન ડ્રોઅર: કોન્ટેક્ટ એક્સેસ, સેટિંગ્સ, કોલ હિસ્ટ્રી અને હેલ્પનો સમાવેશ હવે નેવિગેશન ડ્રોઅરમાં કરવામાં આવ્યો છે. સર્ચ બારમાંથી પણ હવે એને એક્સેસ કરી શકાશે. ઇનકમિંગ કોલ જેસ્ચર્સ: યુઝર હવે ફોનનો જવાબ આપવો હોય કે પછી એને રીજેક્ટ કરવો હોય તો હોરિઝોન્ટલ સ્વાઇપ અથવા તો સિંગલ ટેપ દ્વારા કરી શકાશે. આ માટે યુઝરે સેટિંગ્સમાં ઇનકમિંગ કોલ જેસ્ચરમાં જઈને પોતાનું પસંદગીનું જેસ્ચર સિલેક્ટ કરવાનું રહેશે. ઇન-કોલ ઇન્ટરફેસ: ફોન ચાલુ હોય ત્યારે મ્યુટ, સ્પીકર અને એન્ડ કોલ બટનને કેપ્સુલ જેવા બનાવવામાં આવ્યાં છે. સાઇઝમાં થોડા મોટા પણ કરવામાં આવ્યાં છે. ફોન એન્ડ કરવાનું રેડ બટન ખૂબ જ મોટું દેખાઈ રહ્યું છે.ગૂગલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ ડિઝાઇન એકદમ સાફ-સુધરી છે. જોકે ઘણાં યુઝર્સને એ પસંદ નથી આવી રહી.

