લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે “મુલાકાત સે ન્યાય તક” અભિયાનનો પ્રારંભ
કેદીઓના પરિવારજનો માટે લીગલ એઇડ હેલ્પ ડેસ્ક શરૂ
કેસની સ્થિતિ, જામીન અને અપીલ અંગે સ્થળ પર મળશે કાનૂની માર્ગદર્શન
આર્થિક રીતે નબળા પરિવારોને મફત કાનૂની સહાય અંગે અપાશે માહિતી
સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કેદીઓના પરિવારજનો અને મુલાકાતીઓ માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. મુલાકાત સે ન્યાય તક અભિયાન અંતર્ગત લજપોર સેન્ટ્રલ જેલ ખાતે લીગલ એઇડ હેલ્પ ડેસ્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ હેલ્પ ડેસ્ક દ્વારા કેદીઓના પરિવારજનોને સ્થળ પર જ કાનૂની માર્ગદર્શન અને સહાય મળશે.
નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા અમલમાં મુકાયેલ અભિયાન હેઠળ સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સચિન સ્થિત લજપોર સેન્ટ્રલ જેલ ખાતે આજથી લીગલ એઇડ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો છે. આ હેલ્પ ડેસ્કનો મુખ્ય હેતુ કેદીઓના પરિવારજનોને સરળતાથી કાનૂની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવાનો છે. જેલમાં મુલાકાતે આવતા લોકોને કેસની સ્થિતિ, જામીન પ્રક્રિયા તેમજ અપીલના અધિકારો અંગે નિષ્ણાતો દ્વારા સ્થળ પર જ માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત આર્થિક રીતે નબળા પરિવારોને વિનામૂલ્યે સરકારી વકીલની સુવિધા કેવી રીતે મળી શકે તેની પણ માહિતી આપવામાં આવશે. હેલ્પ ડેસ્ક પર પેરા લીગલ વોલેન્ટિયર્સ અને જેલ વિઝિટિંગ એડવોકેટ્સ હાજર રહી મુલાકાતીઓની સમસ્યાઓનું નિરાકરણ લાવશે. માત્ર કાનૂની સહાય જ નહીં પરંતુ માનવીય અભિગમને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. મુલાકાતીઓ માટે શુદ્ધ પીવાનું પાણી, બેસવાની વ્યવસ્થા અને સ્વચ્છ વાતાવરણ જેવી સુવિધાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ પહેલ દ્વારા જેલ અને સમાજ વચ્ચેનું અંતર ઘટાડીને ન્યાય પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ફેમિલી ઇન્ટરેક્શન શીટ મારફતે માહિતી એકત્ર કરી પરિવારજનોની સમસ્યાઓનું ભવિષ્યમાં વધુ સારી રીતે વિશ્લેષણ કરવામાં આવશે.

