Site icon hindtv.in

શહેરી વિસ્તારો માટે વધુ 25 નવી પીએમ ઈ-બસ સેવાનો પ્રારંભ

શહેરી વિસ્તારો માટે વધુ 25 નવી પીએમ ઈ-બસ સેવાનો પ્રારંભ
Spread the love

શહેરી વિસ્તારો માટે વધુ 25 નવી પીએમ ઈ-બસ સેવાનો પ્રારંભ
મંત્રી જીતુ વાઘાણીના હસ્તે લીલી ઝંડી,
હવે શહેરના અંતરિયાળ વિસ્તારો પણ જોડાશે

ભાવનગરમાં બે મહિના પહેલાં શરૂ કરાયેલી પીએમ ઈ-બસ સેવા શહેરના વિસ્તારોને બદલે ગ્રામ્ય વિસ્તારોમાં દોડાવવામાં આવતી હોવાના આક્ષેપ થયા હતા. ત્યારે ભાવનગર મહાનગરપાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં વધુ 25 પીએમ ઈ-બસો શરૂ કરી છે. આજે કુંભારવાડા ખાતેથી આ બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી સહિતના પદાધિકારીઓએ બસની મુસાફરી કરી હતી.

ભાવનગર શહેરમાં આશરે 10 વર્ષથી સીટી બસ સેવા બંધ હતી. જેને પુનઃ શરૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા બે મહિના પહેલાં PM ઈ-બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જોકે આ બસોનો લાભ શહેરના વિસ્તારોને પૂરતો મળતો ન હોવાથી અને બસો મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમાં દોડાવવામાં આવતી હોવાના આક્ષેપો વચ્ચે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા બીજા તબક્કામાં આવેલી 25 નવી PM ઈ-બસોને શહેરના અંતરિયાળ વિસ્તારો સુધી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે હવે શહેરના લોકોને જાહેર પરિવહનની વધુ સારી સુવિધા મળશે તેમજ ખાનગી વાહનોના વધતા ભાડા ખર્ચમાંથી રાહત મળશે. આજે કુંભારવાડા ખાતે શીતળા માતાજીના મંદિર પાસેથી નવી બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ભાવનગરના મેયર ઉષાબેન તલરેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી બસોને રવાના કરી હતી. નવી 25 PM ઈ-બસોના પ્રારંભથી ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર પરિવહન વધુ સુલભ બનશે અને હજારો મુસાફરોને સીધો લાભ મળશે.

Exit mobile version