Site icon hindtv.in

અમરેલીમાં પરિણીતાને ભગાડી જનાર યુવકની હત્યા

અમરેલીમાં પરિણીતાને ભગાડી જનાર યુવકની હત્યા
Spread the love

અમરેલીમાં પરિણીતાને ભગાડી જનાર યુવકની હત્યા
યુટ્યુબર સહિત ત્રણ લોકોએ માર મારી માફી મંગાવતો વીડિયો વાયરલ
શંકાસ્પદ હાલતમાં લાશ મળ્યા બાદ ત્રણેય સામે ગુનો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. સુરતમાં કડિયાકામ કરતો યુવક પરિણીતાને ભગાડી ગયો હતો. જે બાદ યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે તાજેતરમાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો, જેમાં યુટ્યુબર આ યુવક પાસે માફી મંગાવતો હોવાનું સામે આવ્યું હતું. જે મામલે પોલીસે જાણીતા યુટ્યુબર સહિત ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં મૃતક યુવકની ઓળખ 26 વર્ષીય નિલેશ રમેશ ચુડાસમા તરીકે થઈ છે. નિલેશ સુરતમાં કડિયાકામ કરતો હતો અને આ દરમિયાન તેને આહીર સમાજની એક પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. નિલેશ આ મહિલાને ભગાડી ગયો હતો, જે વાતનું મનદુઃખ રાખીને આરોપીઓએ તેનું કાસળ કાઢી નાખવાનું કાવતરું ઘડ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાની ગંભીરતા ત્યારે વધી જ્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરલા ગામના યુટ્યુબર તરુણ બાંભણીયાએ નિલેશને શોધી કાઢ્યો હતો. તરુણે નિલેશને નીચે બેસાડી, આહીર સમાજની દીકરીને ભગાડવા બદલ માફી મંગાવતો એક વીડિયો શૂટ કર્યો હતો. યુટ્યુબર તરુણ બાંભણીયા સહિત 3 સામે હત્યાનો ગુનો સાવરકુંડલાના DYSP વિરલ ચંદને જણાવ્યું હતું કે, પોલીસે મૃતદેહને કબજે કરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલી આપ્યો છે. આ કેસમાં સાવરકુંડલા રૂરલ પોલીસે મુખ્ય ત્રણ આરોપીઓ યુટ્યુબર તરુણ બાંભણીયા (રહે. કરલા, તા. જેસર, જી. ભાવનગર), વિજય ઉર્ફે રાકેશ દાનાભાઈ નકુમ અને અમિત હડિયા (રહે. ઘાંડલા) સામે ગુનો નોંધ્યો છે.

એટલું જ નહીં, યુટ્યુબરે મૃતકના માતા અને ભાઈ પર દબાણ લાવીને અન્ય એક વીડિયો પણ બનાવડાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયા હતા. વીડિયો વાયરલ થયાના થોડા જ સમય બાદ, સાવરકુંડલાના બાઢડા ગામમાં આવેલી વિરાણી હાઈસ્કૂલ પાછળની પડતર જગ્યામાંથી નિલેશની લાશ મળી આવી હતી. મૃતકના ભાઈ વિરલભાઈ ચુડાસમાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ નિલેશને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ હથિયારો અથવા અન્ય રીતે જીવલેણ માર મારી હત્યા કરી હતી અને ત્યારબાદ તેની લાશને બાઢડા ખાતે ફેંકીને નાસી છૂટ્યા હતા. પોલીસને શંકા છે કે, આ તપાસ દરમિયાન અન્ય કેટલાક નામો પણ ખુલી શકે છે. હાલમાં પી.એલ. ચૌધરી આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના યુગમાં કાયદો હાથમાં લઈને વીડિયો વાયરલ કર્યા બાદ થયેલી આ હત્યાએ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે..

Exit mobile version