વલસાડ જિલ્લાના ઉમરગામ ગામથી શરૂ જન આક્રોશ યાત્રા
કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નવસારી જિલ્લામાં પ્રવેશ કરી
સરકાર વિકાસના નામે વિનાશ કરી રહી છે
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ ગામથી શરૂ થયેલી કોંગ્રેસ પક્ષની જન આક્રોશ યાત્રા નવસારી જિલ્લામાં પ્રવેશ કરી હતી.
ખેરગામ તાલુકાના વડપાડા ગામેથી યાત્રાએ નવસારી જિલ્લામાં પ્રવેશ લીધા બાદ માર્ગમાં વિવિધ સ્થળોએ કાર્યકરો અને સ્થાનિક નાગરિકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન ઠેર ઠેર કોર્નર સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.જન આક્રોશ યાત્રા આગળ વધીને ચીખલી તાલુકાના બારોલિયા મંદિર ફળિયા ગામે પહોંચી હતી, જ્યાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાત્રી સભામાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ અને જોરદાર ઉમંગ જોવા મળ્યો હતો. ઉપસ્થિતોને સંબોધતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સરકાર વિકાસના નામે વિનાશ કરી રહી છે અને સામાન્ય જનતાને વંચિત રાખી રહી છે. કોંગ્રેસ પક્ષ હંમેશા ગરીબ, પીડિત અને શોષિત વર્ગની સાથે ઉભો રહેશે.
કોંગ્રેસની રાત્રી સભામાં ધારાસભ્ય અનંત પટેલે પણ સરકાર અને અસામાજિક તત્વો સામે કડક શબ્દોમાં પોતાનું વક્તવ્ય આપ્યું હતું. તેમણે જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ સાથે પોતાની એકતા દર્શાવતા જણાવ્યું હતું કે “અમારી કોળી અને ધોડીની જોડી છે અને અમે કોઈ સામાજિક તત્વોથી ગભરાવાના નથી. જો અમને ગભરાવાનો પ્રયાસ કરવામાં આવશે તો અમે કોઈને છોડવાના નથી.”આ રીતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાએ નવસારી જિલ્લામાં રાજકીય માહોલ ગરમાવી દીધો હતો અને આગામી સમયમાં વધુ કાર્યક્રમો યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસની આ જન આક્રોશ યાત્રામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી, ધારાસભ્ય અનંત પટેલ સહિત અનેક અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.

