Site icon hindtv.in

ગીર સોમનાથમાં જગદીશ વિશ્વકર્માના કોંગ્રેસ પર આકરા પ્રહાર

ગીર સોમનાથમાં જગદીશ વિશ્વકર્માના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Spread the love

ગીર સોમનાથમાં જગદીશ વિશ્વકર્માના કોંગ્રેસ પર આકરા પ્રહાર
ધારાસભ્ય વિમલ ચુડાસમાને લઈને આપ્યું મોટું નિવેદન
વિધાનસભામાં પ્રજાના પ્રશ્નો ન ઉઠાવતા હોવાની કરી આકરી ટીકા

ગીર સોમનાથ જિલ્લાના આદ્રી વાવડી ગામે આદ્રી જિલ્લા પંચાયત બેઠક માટે યોજાયેલી ચૂંટણી સભામાં રાજકીય માહોલ ગરમાયો હતો. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નામ લીધા વિના તેમની કાર્યશૈલી પર સીધા સવાલો ઉઠાવ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના આદ્રી વાવડી ગામે સભામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, “તમારા ધારાસભ્ય જ્યારે મત માંગવા આવે ત્યારે એક જ પ્રશ્ન પૂછજો—વિધાનસભામાં સોમનાથ વિસ્તાર માટે કેટલા પ્રશ્નો પૂછ્યા?” તેમણે કટાક્ષ કર્યો કે ધારાસભ્ય વિધાનસભામાં “મૂંગી માફક” બેસી રહે છે અને સત્ર દરમિયાન વિસ્તારના પ્રશ્નો અંગે એક શબ્દ પણ બોલતા નથી. ભાજપ પ્રદેશ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે વિસ્તારના રોડ-રસ્તા અને અન્ય સુવિધાઓ માટે ધારાસભ્ય દ્વારા યોગ્ય રજૂઆતો કરવામાં આવતી નથી. તેમણે ઉમેર્યું કે, “આ વિસ્તારના વિકાસ માટે ભાજપના સાંસદ અને જિલ્લા પ્રમુખ સતત પ્રયત્નશીલ છે. તેઓ જનતાની ચિંતા લઈને સરકાર સમક્ષ રજૂઆત કરે છે, જેના આધારે રાજ્યના મુખ્યમંત્રી વિકાસના કામોને મંજૂરી આપે છે.”

વિશ્વકર્માના આ નિવેદનથી સભામાં રાજકીય તીવ્રતા સ્પષ્ટપણે જોવા મળી હતી. ભાજપે વિકાસના મુદ્દાને કેન્દ્રમાં રાખીને કોંગ્રેસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને સ્થાનિક મતદારોને ‘કાર્યના આધારે નિર્ણય લેવા’નો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો હતો. આ ચૂંટણીસભા માત્ર પ્રચાર પૂરતી ન રહી, પરંતુ સોમનાથ વિસ્તારમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચેની રાજકીય લડતને વધુ તીવ્ર બનાવતી સાબિત થઈ છે. આગામી સમયમાં મતદારો કોના પક્ષે વળે છે તે સ્પષ્ટ થશે, પરંતુ હાલ રાજકીય પાટા પર આરોપ-પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version