સુરત: કાપોદ્રામાં પ્રેમલગ્નની તકરારમાં વેવાઈએ જ વેવાઈનું અપહરણ કર્યું
દીકરીને પરત મેળવવા પિતાએ જ યુવકના પિતાનું અપહરણ કરાવ્યું
કાપોદ્રા પોલીસે 40 કિમી પીછો કરી અપહૃતને મુક્ત કરાવ્યા,
સુરતના કાપોદ્રા વિસ્તારમાં વેવાઈએ જ વેવાઈનું અપહરણ કર્યાની ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં દીકરો-દીકરી પ્રેમલગ્ન કરવા ભાગી જતા દીકરીને પરત મેળવવા પિતાએ યુવતીના સસરાનું અપહરણ કરાવ્યું હતું. જો કે પોલીસે 40 કિમી પિછો કરી અપહ્યતને મુક્ત કરાવી અપહરણકારોની ધરપકડ કરી હતી.
સુરતના કાપોદ્રાના સીમાડા નાકા પાસે આવેલી શક્તિ વિજય સોસાયટી નજીક ગત રાત્રે આશરે 10 વાગ્યે સમગ્ર ઘટના બની હતી. ભરતભાઈ મકવાણા અને તેમના પરિવારના સભ્યો ગ્રે કલરની ઈકો કારમાં અમદાવાદથી સુરત આવ્યા હતા અને જયંતીભાઈને માર મારી બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે, જયંતીભાઈના દીકરા અને ભરતભાઈની દીકરી પ્રેમલગ્ન કરવા માટે ઘરેથી ભાગી ગયા હતા. દીકરીને પરત મેળવવા ભરતભાઈએ જયંતીભાઈનું અપહરણ કરાવ્યું હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ જયંતીભાઈના પરિવારને થતાં કાપોદ્રા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી અને સુરતથી આશરે 40 કિલોમીટર દૂર કોસંબા નજીક ધમરોડ ગામની શિવશક્તિ હોટલના પાર્કિંગમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે અપહરણ કરાયેલા જયંતીભાઈને સહીસલામત મુક્ત કરાવ્યા છે. સમગ્ર મામલે પોલીસે 2 લાખ 40 હજાર રૂપિયાની કિંમતની ઈકો કાર અને મોબાઈલ ફોન જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

