સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ
સીટીલાઈટ માં દોડતી લક્ઝરી કારમાં અચાનક આગ ભભૂકી
સદનસીબે કાર ચાલક સમયસર બહાર નીકળી જતાં અકસ્માત ટળ્યો
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સીટીલાઈટ વિસ્તારમાં દોડતી લક્ઝરી કારમાં અચાનક આગ ભભૂકી ઊઠતા અફરાતફરી મચી ગઈ હતી. જો કે સદનસીબે કાર ચાલકે સમયસર બહાર નીકળી જતાં મોટો અકસ્માત ટળ્યો હતો.
સુરતમાં વારંવાર આગના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરતના સીટીલાઈટ વિસ્તારમાં અણુવ્રત દ્વાર નજીક એક લક્ઝરી કારમાં અચાનક આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાતા આસપાસના લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વેસુ અને ભીમરાડ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ નથી. હાલ કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

