સોનગઢમાં જંગલી મરઘીઓની વસતિમાં વધારો
વન્યજીવ સંરક્ષણને મળશે વેગ
તાપી જિલ્લાના વન વિભાગે પ્રકૃતિ અને પર્યાવરણના સંતુલન માટે એક નવતર અને પ્રશંસનીય પહેલ હાથ ધરી છે. સોનગઢના સાદડવેલ રેન્જ હેઠળના ગુડી રૂવાડી ગામમાં શરૂ કરવામાં આવેલા ‘રેડ જંગલ ફોઉલ બ્રિડિંગ સેન્ટર’ દ્વારા જંગલી મરઘીઓના વૈજ્ઞાનિક પદ્ધતિથી સંવર્ધનનો પ્રયોગ અત્યંત સફળ રહ્યો છે. આ પહેલ માત્ર જૈવવિવિધતાના જતન માટે જ નહીં, પરંતુ માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે પણ ગેમ-ચેન્જર સાબિત થઈ રહી છે.
વ્યારાના નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તાના માર્ગદર્શન હેઠળ નવેમ્બર-૨૦૨૫માં આ સેન્ટરનો પ્રારંભ થયો હતો. જંગલની ખોરવાયેલી આહાર શૃંખલાને ફરીથી સક્રિય કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા આ કેન્દ્રમાં શરૂઆતમાં ૧૦ નર અને ૧૫ માદા એમ કુલ ૨૫ જંગલી મરઘીઓ લાવવામાં આવી હતી. વન વિભાગની ટીમ દ્વારા તેમને પૌષ્ટિક આહાર, રસીકરણ અને ચોક્કસ તાપમાન-ભેજયુક્ત સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું. આ સઘન કાળજીના પરિણામે અત્યંત ટૂંકા ગાળામાં તેમની સંખ્યા ૨૫થી વધીને ૭૦ સુધી પહોંચી છે. આ પ્રોજેક્ટ પાછળ વન વિભાગનો એક મોટો વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટ પ્લાન છે. સંવર્ધન બાદ પુખ્ત વયની મરઘીઓને તબક્કાવાર રીતે જિલ્લાના જંગલોમાં મુક્ત કરવામાં આવશે. જંગલી મરઘી એ ખાદ્ય સાંકળની મહત્વની કડી છે. જ્યારે જંગલમાં કુદરતી ખોરાક વધશે, ત્યારે દીપડા જેવા વન્ય પ્રાણીઓને શિકાર માટે માનવ વસાહતો તરફ જવાની જરૂર નહીં રહે. આનાથી સ્થાનિક ગ્રામજનોની સુરક્ષામાં વધારો થશે અને માનવ-વન્યજીવ સંઘર્ષમાં ઘટાડો આવશે. આ સફળતા પાછળ આર.એફ.ઓ. શ્રી પ્રધાન પી. પાટીલ, વન રક્ષક શ્રી કોમલબેન સારદિયા અને તેમની સમગ્ર ટીમની આયોજનબદ્ધ મહેનત રહેલી છે. તાપી જિલ્લાના ૧૨ વર્ષના અવિરત વિકાસની યાત્રામાં આ પર્યાવરણીય પહેલ એક સીમાચિહ્ન સમાન છે, જે આવનારા સમયમાં પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ માટે નવી દિશા ચીંધશે…

