Site icon hindtv.in

સુરત શહેરમાં પટેલ સમાજ માટે ગૌરવ સમાન ભવ્ય પ્રોજેક્ટનું લોકાર્પણ

સુરત શહેરમાં પટેલ સમાજ માટે ગૌરવ સમાન ભવ્ય પ્રોજેક્ટનું લોકાર્પણ
Spread the love

સુરત શહેરમાં પટેલ સમાજ માટે ગૌરવ સમાન ભવ્ય પ્રોજેક્ટનું લોકાર્પણ
“જમનાબા વિદ્યાર્થી ભવન” શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસનું કેન્દ્ર
ભવનમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ કરાઈ

સુરત શહેરમાં પટેલ સમાજ માટે ગૌરવ સમાન અને વિદ્યાર્થીઓના ભવિષ્યને નવી દિશા આપનાર એક ભવ્ય પ્રોજેક્ટનું લોકાર્પણ આગામી ૨૪ મે, રવિવારના રોજ થવા જઈ રહ્યું છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા નિર્માણ પામેલ “જમનાબા વિદ્યાર્થી ભવન” હવે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસનું કેન્દ્ર બનશે. સુરતના પ્રવેશ દ્વારે ૧૩ માળ અને ૩ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ પામેલ આ ભવનમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

સમાજના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઉભરેલ જમનાબા વિદ્યાર્થી ભવનમાં અનેક આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભવનમાં ૧૦૦ વ્યક્તિઓ રહી શકે તેવું “શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિભવન” તેમજ ૪૨૫ બેઠક ક્ષમતાવાળું “કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ” તૈયાર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા ઓડિટોરિયમનું લોકાર્પણ કરશે.ભવન પરિસરમાં ૩૧ ફૂટ ઊંચી અને ૯ ટન વજન ધરાવતી ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય કાંસ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પ્રતિમાનું અનાવરણ કરશે. સાથે જ ૫૧ ફૂટ ઊંચા ધ્વજસ્તંભ ઉપર રાષ્ટ્રધ્વજનું આરોહણ પણ કરવામાં આવશે.શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ફેઝ-વન અંતર્ગત ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. હવે આગામી સમયમાં ૫૦૦ દીકરીઓ માટે “કિરણ મહિલા ભવન”નું પણ લોકાર્પણ થશે. બંને પ્રોજેક્ટ મળી કુલ ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ભવ્ય નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે.

તારીખ ૨૪ મેના રોજ સાંજે ૫ વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાશે. સમાજના અગ્રણી જયંતીભાઈ એકલેરા અને અમદાવાદના રવજીભાઈ વસાણીના વરદ હસ્તે શુભ ઉદ્ઘાટન કરવામાં આવશે. કાર્યક્રમમાં સી.આર. પાટીલ, જીતુભાઈ વાઘાણી, પ્રફુલભાઈ પાનસેરીયા, કૌશિકભાઈ વેકરીયા, કમલેશભાઈ પટેલ, પૂર્ણેશ મોદી, મુકેશભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો હાજરી આપશે.જમનાબા વિદ્યાર્થી ભવનમાં પુસ્તકાલય, ઇ-લાઇબ્રેરી, વાચનાલય, ભોજનાલય, કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર, જીમ, યોગા સેન્ટર અને પ્રાર્થના હોલ જેવી સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. વર્ષોથી સમાજના અગ્રણીશ્રીઓનું સ્વપ્ન રહેલું આ ભવન હવે શિક્ષણ અને સમાજ ઘડતરનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.સુરત ખાતે નિર્માણ પામેલ જમનાબા વિદ્યાર્થી ભવન હવે માત્ર હોસ્ટેલ નહીં પરંતુ સમાજના શિક્ષણ અને સંસ્કારનું પ્રતિક બની રહ્યું છે.

Exit mobile version