Site icon hindtv.in

સુરતમાં 200 કરોડના જમનાબા વિદ્યાર્થી ભવનનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

સુરતમાં 200 કરોડના જમનાબા વિદ્યાર્થી ભવનનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
Spread the love

સુરતમાં 200 કરોડના જમનાબા વિદ્યાર્થી ભવનનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
1000 વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ ભવ્ય વિદ્યાર્થી ભવન ખુલ્લું મુકાયું
હર્ષ સંઘવીના હસ્તે સરદાર પટેલની 31 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ
મનસુખ માંડવીયા અને ગોવિંદ ધોળકિયાના હસ્તે કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું ઉદ્ઘાટન

સુરતના વાલક પાટીયા ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નવનિર્મિત જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાયુ હતું. તો આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 31 ફૂટ ઊંચી, 9 ટન વજન ધરાવતી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરાયુ હતું.

ડાયમંડ સિટી, સિલ્ક સિટી સુરતના આંગણે શિક્ષણ અને સામાજિક ઉત્થાનના ક્ષેત્રે એક નવો સુવર્ણ ઈતિહાસ આલેખતા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા સમાજના દીકરા-દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી નવનિર્મિત જમનાબા વિદ્યાર્થી ભવનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સુરતના વાલક પાટિયા, મણીબેન ચોક ખાતે નિર્માણ પામેલા ભવ્ય જમનાબા વિદ્યાર્થી ભવનમાં 1000 વિદ્યાર્થીઓ માટે નિવાસ-અભ્યાસ, એઆઈ રિસર્ચ લેબ, અદ્યતન લાઈબ્રેરીની અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 31 ફૂટ ઊંચી, 9 ટન વજન ધરાવતી સરદાર વલ્લભભાઈ પટેલની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. મહાનુભાવોએ સરદાર સાહેબની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ કરી હતી. કેન્દ્રીય શ્રમ અને રોજગાર, રમતગમત મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જયંતિભાઈ બાબરીયા (એકલેરા) તથા અન્નપૂર્ણા ધામના ચેરમેન રવજીભાઈ વસાણીના હસ્તે રિબિન કાપીને ભવનને વિધિવત લોકાર્પિત કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પવિત્ર અધિક માસમાં કરેલું દરેક સત્કાર્ય અને સમર્પણ લાખો ગણું ફળ આપે છે, ત્યારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે જનહિતના કાર્યો થકી ભગવાન પુરુષોત્તમને સાચા અર્થમાં પ્રસન્ન કરવાનું પરમ કાર્ય કર્યું છે. આ સંસ્થા પટેલ એ વાતનું જીવંત ઉદાહરણ છે કે જો સૌ સાથે મળીને પ્રયાસ કરીએ, તો વિકાસ કેટલી ગતિ અને વ્યાપ સાથે સાકાર થઈ શકે છે. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જમનાબા ભવન નિર્માણ બદલ શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અન્ય ગ્રામ્ય કે અંતરિયાળ વિસ્તારોમાંથી સુરત શહેરમાં ભણવા આવતા સામાન્ય પરિવારોના દીકરા-દીકરીઓ માટે જમનબા ભવન વરદાનરૂપ સાબિત થશે. યુવાનોએ હવે શહેરમાં મોંઘા ભાડાના ફ્લેટ રાખીને રહેવું નહીં પડે, પરંતુ અહીં ઘર જેવા સંસ્કારયુક્ત વાતાવરણમાં રહીને તેઓ પોતાના અને પરિવારના સપનાઓ સાકાર કરી શકશે એમ જણાવી ભવન નિર્માણના દાતાઓ, ટ્રસ્ટીઓ અને પાટીદાર અગ્રણીઓને બિરદાવ્યા હતાં. સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નવનિર્મિત જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ગુજરાતના કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરિયા, આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા સાથે નાગરિક સંરક્ષણ મંત્રી કમલેશ પટેલ, વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પૂર્ણેશ મોદી, સાંસદ મુકેશ દલાલ, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, અગ્રણી વલ્લભભાઈ સવાણી, પદ્મશ્રી મથુર સવાણી, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતના પ્રમુખ કાનજી ભાલાળા, ઉપપ્રમુખ સવજી વેકરિયા સહિત ધારાસભ્યો, મહાનુભાવો, સામાજિક-રાજકીય અગ્રણીઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Exit mobile version