પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસપા ગામ ખાતે ઉદ્ઘાટન
સદારામ લાઇબ્રેરીનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો
પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસપા ગામ ખાતે શ્રી વધિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રેરિત ઠાકોર સેના સમી અને કર્મચારી મંડળ સમી તાલુકા દ્વારા સદારામ લાઇબ્રેરીનું ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને યુવાનોમાં વાંચન સંસ્કૃતિ વિકસે તે હેતુથી આ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રસંગે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, તેમજ બાબુજી ઠાકોર, મફાજી ઠાકોર, પોપટજી ઠાકોર, ડી.ડી. ઝાલેરા, બચુજી ઠાકોર સહિત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે લાઇબ્રેરી જેવી સંસ્થાઓ ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ લાઇબ્રેરી દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ વિષયોની પુસ્તકો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું માર્ગદર્શન અને વાંચન માટેનું યોગ્ય માહોલ મળશે. કાર્યક્રમ અંતે આયોજકો દ્વારા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સમાજના વિકાસ માટે આવી પ્રવૃત્તિઓ આગળ પણ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
