ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું
ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ હોલ્ડ પર મુકાયા
અલગ-અલગ મેન્ડેટ સાથે ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાવો
ભરૂચ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મેન્ડેટ વિવાદ સર્જાયો છે. વોર્ડ નંબર 2 માં એક જ પક્ષના બે ઉમેદવારોએ અલગ-અલગ મેન્ડેટ સાથે ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ મામલો હવે પ્રદેશ કક્ષાએ પહોંચ્યો છે.
ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ તરફથી કુલ છ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં ચાર પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. જોકે, વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક જ વોર્ડમાંથી બે ઉમેદવારોએ પોતાની પાસે કોંગ્રેસનું અધિકૃત મેન્ડેટ હોવાનો દાવો કર્યો. કુતુબુદ્દીન પટેલે શહેર પ્રમુખની સૂચના મુજબ અધિકૃત મેન્ડેટ સાથે ફોર્મ ભર્યાનો દાવો કર્યો છે. બીજી તરફ, ત્રણ ટર્મથી ચૂંટાતા સમશાદઅલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ પણ કોંગ્રેસના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવી છે. આ સ્થિતિથી કાર્યકરોમાં ગૂંચવણ અને અસંતોષ ફેલાયો છે. કુતુબુદ્દીન પટેલે આક્ષેપ કર્યો છે કે પાર્ટી દ્વારા અપાયેલા મેન્ડેટમાં ગેરરીતિ થઈ છે. તેમણે સાચા મેન્ડેટની નિષ્પક્ષ તપાસની અને આ મામલે ઉચ્ચ કક્ષાએ કાર્યવાહીની માંગ કરી છે.
આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ જણાવ્યું કે, પાર્ટીમાં આંતરિક ચર્ચા ચાલી રહી છે. બે અલગ-અલગ મેન્ડેટ કેવી રીતે બહાર આવ્યા તેની તપાસ માટે પ્રદેશ નેતૃત્વ સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે. આ મેન્ડેટ વિવાદ કોંગ્રેસ માટે એક પડકાર બન્યો છે. હવે કોંગ્રેસ હાઈકમાન્ડ આ વિવાદને કેવી રીતે ઉકેલે છે અને કયા ઉમેદવારને અધિકૃત મંજૂરી આપે છે તે જોવું રહ્યું. આ ઘટનાએ ભરૂચના રાજકીય વાતાવરણમાં વધુ ઉથલપાથલ મચાવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

