વડોદરામાં 8 વર્ષની બાળકીને 55 વર્ષના આધેડે બનાવી હવસનો શિકાર.
ચોકલેટ અને અન્ય લાલચ આપી દીકરીને બોલાવતો હતો.
જગદીશ ગોહિલ નામના આરોપીએ આચર્યું દુષ્કર્મ.
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 8 વર્ષની માસૂમ બાળકી હવસનો શિકાર બની છે.
વડોદરા નારાયણ નગર ગરનાળા પાસે રહેતા એક શ્રમિક પરિવારની દીકરીને 55 વર્ષીય જગદીશ પુંજાભાઈ ગોહિલ નામના નરાધમે ચોકલેટની લાલચ આપીને પોતાનો શિકાર બનાવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વડોદરામાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. નરાધમની આવી પાશવી માનસિકતાએ સમાજને શર્મસાર કરી દીધો છે, અને હવે ન્યાયની માંગ સાથે આખા પંથકમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પીડિત બાળકીના માતા-પિતા છાણી વિસ્તારમાં આવેલા ખુલ્લા ખેતરમાં ઝૂંપડું નાખીને ગુજરાન ચલાવે છે અને મજૂરીકામ કરે છે. વેર હાઉસમાં સફાઈનું કામ કરતો 55 વર્ષીય આરોપી જગદીશ ગોહિલ છેલ્લા ઘણા સમયથી બાળકીને ચોકલેટ અને અન્ય લાલચ આપીને વારંવાર બોલાવતો હતો. આરોપીએ આ લાલચનો ફાયદો ઉઠાવી બાળકી પર દુષ્કર્મ આચરીને માનવતાને લાંછન લગાડ્યું છે. બાળકી સાથેની આ ક્રૂરતાની જાણ થતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને લોકોમાં આરોપી સામે ફિટકારની લાગણી વ્યાપી છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પીડિતાના પરિવારની ફરિયાદના આધારે આરોપી જગદીશ પુંજાભાઈ ગોહિલ વિરુદ્ધ પોક્સો હેઠળ ગંભીર ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે. પીડિતાની માતાએ ન્યાય માટે આક્રોશ વ્યક્ત કરતા આરોપીને કડક સજા થાય તેવી માંગ કરી છે. બાળકીના સુરક્ષા અને ન્યાય માટે વડોદરા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસે કહ્યું આ મામલે ફાસ્ટ ટ્રેક તપાસ કરીને નરાધમને કઠોરમાં કઠોર સજા મળે તેવા પ્રયાસો કરી રહ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યુઝ

