Site icon hindtv.in

પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં શાસક જ વિપક્ષ બન્યું

પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં શાસક જ વિપક્ષ બન્યું
Spread the love

પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં શાસક જ વિપક્ષ બન્યું
શાસક પક્ષના સભ્યોએ જ વિપક્ષની ભૂમિકા ભજવી હોવાનો આક્ષેપ.
વિકાસલક્ષી કામોને નામંજૂર અને મુલતવી રાખ્યા

પાટણ નગરપાલિકાની સામાન્ય સભા વિવાદોથી ઘેરાયેલી રહી હતી, જેમાં શાસક પક્ષના જ સભ્યોએ વિપક્ષની ભૂમિકા ભજવી હતી. આ સભામાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના મોટાભાગના કામો શાસક અને વિરોધ પક્ષે મળીને બહુમતીથી મુલતવી અને નામંજૂર કર્યા હતા.

પાટણ નગરપાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં, સત્તાધારી પક્ષના સભ્ય શૈલેષ પટેલે તેમની યાદી વધારાના કામોમાં સામેલ ન કરાઈ હોવાથી પ્રમુખને અનુરોધ કર્યો હતો. પ્રમુખે આ યાદી આગામી બોર્ડમાં ચડાવવાનું જણાવતા, શૈલેષ પટેલે આ બોર્ડ મુલતવી રાખવા માટેનું વોટિંગ કરાવ્યું હતું. કુલ 75 એજન્ડા પરના કામો અને 11 વધારાના કામો સહિત 86 કામો રજૂ કરાયા હતા. તેમાંથી 10 કામો ના-મંજૂર થયા હતા અને 15 કામો મુલતવી રખાયા હતા. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે સભામાં થયેલા વિરોધ અંગે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, પોતાનું જ મહત્વ બતાવવા માટે શાસક પક્ષના જ અમુક સભ્યોએ વિપક્ષની ભૂમિકા ભજવી. પ્રમુખે સ્પષ્ટ કર્યું કે, જે સભ્યોએ યાદી આપી હતી, તેનો નિયમ 171 મુજબ જવાબ પણ આપી દેવાયો હતો. તેમ છતાં વિકાસના કામોમાં અવરોધ ઊભો કરવાનું કામ થયું છે.

પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે પાટણની જનતાને થનારા નુકસાન માટે શૈલેષ પટેલ, નરેશ દવે, હીનાબેન શાહ, મનોજ પટેલ અને એમ.જે. પટેલને સીધે-સીધા જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે, આ જ સભ્યોએ વિકાસના કામો તેમની કાર્યકરણીમાં મંજૂર કરાવ્યા હોવા છતાં, આજે સામાન્ય સભામાં ના-મંજૂર કર્યા છે. ભાજપના સભ્યોએ પણ આક્રોશ વ્યક્ત કરતા સ્વીકાર્યું કે, પાટણની ઐતિહાસિક નગરી આજે ‘ખાડા નગરી’ તરીકે પ્રસ્થાપિત થઈ છે. તેમણે પ્રમુખ અને ચીફ ઓફિસર પર પાટણની કોઈ પણ જગ્યાએ મુલાકાત ન લેવાનો અને કોન્ટ્રાક્ટરોને કહી ન શકવાનો આક્ષેપ કર્યો, જેના કારણે પાટણની આ પરિસ્થિતિ ઊભી થઈ હોવાનું જણાવ્યું હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version