સુરેન્દ્રનગરમાં નાની કઠેચી–શાહપુર માર્ગ બિસ્માર બન્યો
મુખ્ય રસ્તા પર મોટા ખાડા અને કાદવથી વાહનચાલકો પરેશાન
ગ્રામજનોએ રસ્તાના તાત્કાલિક સમારકામની માંગ કરી
વરસાદ બાદ માર્ગ પર અવરજવરમાં ભારે મુશ્કેલી
સુરેન્દ્રનગરના નાની કઠેચીથી અમદાવાદના શાહપુરને જોડતો એકમાત્ર મુખ્ય રસ્તો બન્યો બિસ્માર; મોટા ખાડા અને કાદવ-કીચડના કારણે વાહનચાલકો તેમજ ગ્રામજનો પરેશાન
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાની કઠેચી ગામથી અમદાવાદ જિલ્લાના શાહપુર તરફ જતો એકમાત્ર મુખ્ય માર્ગ હાલ અત્યંત દયનીય અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. ચોમાસાની શરૂઆત થતાં જ આ રસ્તા પર મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે, જેમાં વરસાદી પાણી ભરાવાને કારણે સમગ્ર માર્ગ કાદવ-કીચડથી ખદબદી રહ્યો છે. આ મુખ્ય રસ્તો બે જિલ્લાઓને જોડતો હોવાથી અહીંથી રોજબરોજ સેંકડો વાહનોની અવરજવર રહે છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ તમામ મુશ્કેલી સ્પષ્ટ વિડિયોમા જોઈ શકાય છે કે આખા રસ્તા પર ડામરનું નામનિશાન મટી ગયું છે અને રસ્તાની વચ્ચે તળાવ જેવા મોટા ખાડા પડી ગયા છે. વાહનો સ્લિપ થવા અને અકસ્માત થવાનો ભય સતત તોળાઈ રહ્યો છે. નાની કઠેચી ગામના લોકોને શાહપુર કે અમદાવાદ તરફ જવા માટે આ એકમાત્ર મોટો રસ્તો છે. રસ્તો બંધ કે બિસ્માર થવાથી ગામ જાણે અન્ય વિસ્તારોથી સંપર્કવિહોણું બની જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઇમરજન્સી સેવાઓમાં અવરોધ: રસ્તાની ખરાબ હાલતના કારણે કોઈ કટોકટીના સમયે ૧૦૮ એમ્બ્યુલન્સ કે અન્ય વાહનો સમયસર આવી શકતા નથી, જેના લીધે દર્દીઓના જીવનું જોખમ વધી જાય છે.તેમજ દ્વિચક્રી વાહનચાલકો અવારનવાર આ ખાડાઓ અને કાદવમાં ખાબકી રહ્યા છે, જેના કારણે અનેક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકો દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે આ માર્ગનું તાત્કાલિક ધોરણે સમારકામ (પેચ વર્ક) કરવામાં આવે અને ચોમાસા બાદ અહીં કાયમી અને મજબૂત નવો રસ્તો બનાવવામાં આવે. જો વહેલી તકે આ બાબતે યોગ્ય નિકાલ નહીં આવે, તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે

