સુરતમાં અઠવા પોલીસે માથાભારે આરોપી રાહુલને ઝડપ્યો
હાર્ડવેરના વેપારીએ ઠપકો આપતા ચપ્પુ વડે હુમલો કર્યો હતો
ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ
સુરતમાં અઠવા પોલીસે હાર્ડવેરના વેપારીએ ઠપકો આપતા ચપ્પુ વડે હુમલો કરનાર માથાભારે આરોપી રાહુલને ઝડપી પાડી કાયદાનુ ભાન કરાવ્યા બાદ ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું. તો ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.
અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવસારી બજાર સગરામપુરા પોલીસ ચોકી પાસે બસંત બાઈદાન રબારી નામના વેપારીની હાર્ડવેરની દુકાન આવેલી છે. સોમવારે સવારે જ્યારે બસંતભાઈ પોતાની દુકાન ખોલવા પહોંચ્યા, ત્યારે તેમણે જોયું કે રાહુલ સોલંકી નામનો શખ્સ ત્યાં બેસીને દારૂ પી રહ્યો હતો અને ત્યાં ખાલી બોટલો પડી હતી. વેપારીએ ત્યાં દારૂ ન પીવા અને ગંદકી ન કરવા ટકોર કરી હતી. આ સાંભળી રાહુલ ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો. જોતજોતામાં રાહુલે ખિસ્સામાંથી છરી કાઢી વેપારીના પગના ભાગે જોરદાર ઘા ઝીંકી દીધો હતો. જેથી વેપારીને તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયો હતો તો સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હોય જેને લઈ અઠવા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ દારૂડીયા નસેડી રાહુલ સોલંકીને ઝડપી પાડી તેને કાયદાનુ ભાન કરાવ્યુ હતું. અને ત્યારબાદ આરોપી રાહુલ સોલંકીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન પણ કરાવ્યુ હતું.

