સુરતમાં સહકારી ક્ષેત્રની સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પ્રક્રિયામાં દબાણની રાજનીતિ થઈ
ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જશે.
સુરતમાં સહકારી ક્ષેત્રે નામના ધરાવતી અંદાજે 12 હજાર કરોડ રૂપિયાના ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું હોય તેમ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પ્રક્રિયામાં દબાણની રાજનીતિ થઈ રહી છે. કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું કે ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસ પોતાના તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જશે.
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય ખેંચતાણ તેજ બની છે. કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ આક્ષેપ કર્યો છે કે ઉમેદવારો પર દબાણ લાવવા માટે શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો કે ઉમરવાડા બેઠકના કોંગ્રેસ ઉમેદવારના દરખાસ્ત કરનાર વ્યક્તિ છેલ્લા ત્રણ દિવસથી ગુમ છે અને તેનું અપહરણ કરાયું હોવાની આશંકા છે.
તેમના જણાવ્યા મુજબ ઉમેદવારનું ફોર્મ રદ કરાવવા માટે દરખાસ્ત કરનારને ગુમ કરાવવામાં આવ્યો છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે પોતાના તમામ ઉમેદવારોને સુરક્ષાના હેતુસર અજ્ઞાત સ્થળે રાખવામાં આવશે.

