સુરતમાં ફરી નરાધમોનો આતંક સામે આવ્યો
અમરોલી બાદ હવે સચીન જીઆઈડીસીમાં માસુમ બાળાની છેડતી
પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો
સુરતમાં નરાધમોનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે. અગાઉ સુરતના વેસુ અને ત્યારબાદ અમરોલી બાદ હવે સચીન જીઆઈડીસીમાં માસુમ બાળાની છેડતીની ઘટના બનતા લોક રોષ જોવા મળ્યો છે. રાશનની દુકાનના સંચાલકે બાળાની છેડતી કરી હોવાની ઘટનાને લઈ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરતમાં વેસુ અને ત્યારબાદ અમરોલી અને હવે સચિન જીઆઈડીસી વિસ્તારમાં 11 વર્ષની બાળકી સાથે છેડતીની ઘટના બનતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરતના અલથાણ વેસુ ખાતે એક બાળાની છેડતી બાદ અમરોલી વિસ્તારમાં 11 વર્ષની બાળકી સાથે છેડતી કરવામાં આવી હતી. ત્યારે હવે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સચિન કંસાડ રોડ પર ગોકુલધામ સોસાયટી પાસે એક શરમજનક ઘટના બની હતી. ગુરુવારે સવારે 11 વાગ્યે એક 11 વર્ષની બાળકી સ્પ્રાઈટ ખરીદવા માટે નજીકની રેશન શોપમાં ગઈ હતી. જ્યાં દુકાન માલિક પ્રભુલાલ માલીએ છોકરીની છેડતી કરતા બાળકીએ પરિવારને જાણ કરી હતી. પરિવારે આ મામલે તાત્કાલિક સચીન જીઆઈડીસી પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બાળાની છેડતી કરનાર રાશન માલિક પ્રભુલાલ માલીની ધરપકડ કરી હતી. તો ઘટનાની જાણ થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

