રાજકોટમાં 1 વર્ષમાં 45 હજાર બાળકોએ છોડ્યો અભ્યાસ.
જિલ્લા શિક્ષણ વિભાગના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો.
12,543 વાલીઓએ બાળકોને ભણાવવાની ના પાડી.
શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા મસમોટા શૈક્ષણિક કાર્યક્રમોના દાવાઓ વચ્ચે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કરવામાં આવેલા એક સત્તાવાર સર્વેએ જિલ્લાની શિક્ષણ વ્યવસ્થા સામે અનેક ગંભીર પ્રશ્નાર્થો ઊભા કર્યા છે.
રાજકોટ જિલ્લાના કુલ 1,48,269 વિદ્યાર્થીઓના સર્વે દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે કે, ચાલુ વર્ષે કુલ 32,948 વિદ્યાર્થીઓએ અધવચ્ચેથી જ અભ્યાસ છોડી દીધો હતો. શિક્ષણ વિભાગની વિવિધ ટીમો આ પૈકીના 20,406 વિદ્યાર્થીઓને પુનઃ શાળાએ લાવવામાં સફળ રહી છે, પરંતુ હજુ પણ 12,542 બાળકો શિક્ષણના મુખ્ય પ્રવાહથી વંચિત રહી ગયા છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થતાંની સાથે જ આગામી 8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. જોકે, વેકેશન લંબાવવા અંગે હજુ આખરી નિર્ણય બાકી છે. નવા સત્રમાં બાલવાટિકા અને ધોરણ 1 માં નોંધાયેલા પ્રવેશના આંકડા આ પ્રમાણે છે. બાલવાટિકામાં 2,841 અને ધોરણ 1 માં 737 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે. રાજકોટ ગ્રામ્યમાં બાલવાટિકામાં 11,613 અને ધોરણ 1 માં 710 વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે. સમગ્ર જિલ્લામાં બાલવાટિકામાં કુલ 14,454 અને ધોરણ 1માં 1,447 બાળકો નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરશે. આગામી 18થી 20 જૂન દરમિયાન કાયદાકીય પ્રોટોકોલ હેઠળ શાળા પ્રવેશોત્સવ યોજાશે.
આ ગંભીર પરિસ્થિતિ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષીત પટેલે જણાવ્યું કે, અમે જિલ્લામાં 100% વિદ્યાર્થીઓનો ટ્રેકિંગ સર્વે પૂર્ણ કર્યો છે. જે બાળકો હજુ સુધી શાળાએ પરત નથી ફર્યા તેમના માટે એક વિશેષ ટ્રેકિંગ ફોર્મ બનાવવામાં આવ્યું છે. અમારા સભ્યો આવા બાળકોના વાલીઓનો રૂબરૂ સંપર્ક કરી રહ્યા છે, જેથી કાઉન્સેલિંગ કરીને આ તમામ 12,542 બાળકોને ફરીથી શાળાએ લાવી શકાય અને તેમનું ભવિષ્ય બગડતું અટકાવી શકાય છે. સર્વેના આંકડા દર્શાવે છે કે, પ્રાથમિક શાળા પૂર્ણ કર્યા બાદ હાઈસ્કૂલ (ધોરણ 8, 9 અને 10) માં પહોંચતા જ અભ્યાસ છોડનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી જાય છે. ધોરણ 10માં સૌથી વધુ 10,361 વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

